Get The App

ભોયણ રાઠોડમાં લોકો જાગી જતાં ભેંસ ચોરવા આવેલી ટોળી નાસી છુટી

- બે ભેંસોને લઈ ભાગી રહયા હતા તે સમયે કાર દિવાલ સાથે અથડાતાં ફરાર થયાઃપોલીસે કારને જપ્ત કરી

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
ભોયણ રાઠોડમાં લોકો જાગી જતાં ભેંસ ચોરવા આવેલી ટોળી નાસી છુટી 1 - image


ગાંધીનગર, તા. 27 જૂન 2020, શનિવાર

ગાંધીનગર તાલુકાના ભોયણ રાઠોડ ગામે ગઈકાલે મોડી રાત્રે ઈનોવા કાર લઈને ભેંસ ચોર ટોળકી ત્રાટકી હતી જો કે લોકો જાગી જતાં આ ટોળકીનો પીછો કરતાં તેમની કાર દિવાલ સાથે અથડાઈ ગઈ હતી અને કાર મુકીને નાસી છુટયા હતા. કારમાંથી બે ભેંસોને મુક્ત પણ કરવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે કાર જપ્ત કરીને ગુનો નોંધી ટોળકીની શોધખોળ શરૃ કરી છે.

રાત્રીના સમયે પશુ ચોરી જતી ટોળકી હવે સક્રિય થઈ છે ત્યારે ભોયણ રાઠોડ ગામમાં રહેતાં અને પશુપાલનનો વ્યવસાય કરતાં વિરમભાઈ સાંકાભાઈ દેસાઈ તેમના ઘરે સુઈ રહયા હતા તે દરમ્યાન તેમના નાનાભાઈ જાગી ગયા હતા અને તેમણે જોયું કે ઈનોવા કારમાં કેટલાક શખ્સો ભેંસો ભરી રહયા હતા. જેથી બુમાબુમ થતાં વિરમભાઈ અને અન્ય લોકો પણ દોડી ગયા હતા જેના પગલે આ ચાર જેટલા શખ્સો કારમાં બેસીને ભાગવા લાગ્યા હતા.દરમ્યાનમાં તેમની કાર દિવાલ સાથે અથડાતાં બંધ થઈ ગઈ હતી. જેથી તે કાર મુકીને અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. આ કારમાં તપાસ કરતાં વીરમભાઈની બે ભેંસો પણ મળી આવી હતી. આ ઘટના અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જીજે-૦૧-એસએસ-૯૭૭૫ નંબરની કારને જપ્ત કરીને આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. પેથાપુર પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે કારના નંબરના આધારે આરોપીઓ સુધી ટુંક જ સમયમાં પોલીસ પહોંચી જશે.

Tags :