દૂધસાગર ડેરી કર્મચારી મંડળના ચેરમેનની સર્વાનુમતે વરણી
- પાંચ વર્ષ માટે નિમણૂંક કરાઈ
- અગાઉ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી

તા.23
મહેસાણા દૂધસાગર ડેરી શાખ અને પુરવઠા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી. ત્યારબાદ સોમવારે ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં ફાલ્ગુન ચૌધરી સર્વાનુમતે બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.
મહેસાણા દૂધસાગર કર્મચારી શાખ અને પુરવઠા સહકારી મંડળી લી.ની તાજેતરમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ઈશારે નિયામક મંડળની 17 બેઠકોમાં ફેક્ટરી વિભાગની 8, સેન્ટરોમાંથી 4, ઓફિસ વિભાગમાંથી 3 અને માનેસર અને ધારુહેડા પ્લાન્ટની 2 સીટ પૈકી 15 બેઠકો પર અંદરો-અંદર પરામર્શ કરી એક બીજા ઉમેદવારોની સંમતિ લઈ ફોર્મ પરત ખેંચાયા બાદ તમામ બેઠક બિનહરીફ બની હતી જેને પગલે ઓફીસ વિભાગમાંથી ડેરીના ચેરમેન અશોક ચૌધરીના અંગત માનવામાં આવતા ફાલ્ગુન ચૌધરી માટે મંડળના નવનિયુક્ત તમામ સભ્યોએ સંમતિ દર્શવાતા સત્તાવાર રીતે આગામી પાંચ વર્ષ માટે ફાલ્ગુન ચૌધરીને દૂધ સાગર ડેરી કર્મચારી મંડળ એટલેકે સહયોગના ચેરમેન પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

