Get The App

મહેસાણાના મંદિરોમાં ચોરી કરતા છારા ગેન્ગના બે દંપત્તિ ઝડપાયા

- વિજાપુરના કુકરવાડામાં ગોગા મહારાજના મંદિરની ચોરી બાદ ગેંગનો પર્દાફાશ

- મહેસાણા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળીઃ બે મહિલાઓ રેકી કરી બાદમાં રાત્રે મોબાઈલ સ્વીચ ઓફ કરી ચોરીઓ કરતા હતા

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણાના મંદિરોમાં ચોરી કરતા છારા ગેન્ગના બે દંપત્તિ ઝડપાયા 1 - image

મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધોળા દિવસે અજાણ્યા શખસોએ હાથફેરો કર્યો હતો. ચાંદીની બે મૂર્તિઓ અને આભૂષણો સહિત કુલ રૃ.૭૩ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે વસાઈ પોલીસે ગુનો દાખલ થયા બાદ એલસીબીને એવી બાતમી મળી હતી કે, મંદિર ચોરીના મુદ્દામાલ સાથે બે મહિલાઓ અને બે પુરુષ ખાનગી કારમાં મહેસાણાથી ચાણસ્મા તરફ જઈ રહ્યા છે. બાતમી આધારે વોચ ગોઠવી એક કારમાં જઈ રહેલા ચાર લોકોને ઝડપી લીધા હતા. તેમની આગવી ઢબે પૂછપરછ કરતા અમદાવાદની કુખ્યાત છારા ગેન્ગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. અને બે મહિનામાં ૭થી વધુ મંદિર ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું. 

વિજાપુરના કુકરવાડામાં આવેલા ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવતાં રૃ.૭૩ હજારની મત્તાની ચોરી કરી છે. જેની વિગતો પ્રમાણે રબારીવાસમાં આવેલા મંદિરમાં ભરબપોરે અજાણ્યા શખસોએ અંદર પ્રવેશ કરી ગોગા મહારાજની ત્રણ કિલો ચાંદીની મોટી મૂર્તિ, ૨૦૦ ગ્રામ ચાંદીની નાની મૂર્તિ, ચાંદીના બે ફોટા, ચાંદીના પારણા સહિતની વસ્તુઓની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. આ અંગે લાભુભાઈ રબારીએ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે. આ ચોરીનો મુદ્દામાલ બે સ્ત્રીઓ અને બે પુરુષો ચાણસ્મા બાજુ વેચવા જનાર છે તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે મહેસાણા બાયપાસ થઈ ચાણસ્મા તરફ જવાના રસ્તા તરફ એક ખાનગી કાર નીકળતા તેમાં એક પરમાર ચંદ્રકાન્ત ઉર્ફે મુન્નો વિનોદ તેની પત્ની ગીરાબેન તેમજ કમલેશ થાવર શ્યામચંદ અને તેની પત્ની પૂનમ રહે.નવા નરોડા-અમદાવાદ પાસેથી ગોગા મહારાજનો ફોટો, ચાંદીના ૧૦ છત્તર મળી આવ્યા હતા. જેથી તેમની પાસેથી કાર સહિતનો ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આ ચારેય શખસોની આગવી ઢબે પુછપરછ કરતા મંદિર ચોરીનો સીલસીલો બહાર આવ્યો હતો. જેમાં ૭ જેટલી ચોરીઓ કબૂલ કરી હતી. આ ટોળકી તમામ મંદિરોની રેકી કરતી હતી. દર્શનાર્થીઓના સ્વાંગમાં આવી મંદિરમાં જઈ દર્શન કરતા હતા. અને જો કોઈ ન દેખાય તો આરામથી ચાંદીની મૂર્તિ, છત્તર સહિતના મુદ્દામાલની ચોરીઓ કરતા હતા. ચોરી કર્યા બાદ ટોળકીમાં સામેલ મહિલાઓ અમદાવાદના સોની બજાર ખાતે વેચાણ કરતી હોવાનું પણ તેમણે કબૂલ કર્યું હતું. 

ફોન સ્વીચ ઓફ કરી ચોરીઓ કરતા હતા

આ ટોળકીમાં સામેલ ચારેય શખસો અમદાવાદની કુખ્યાત છારા ગેન્ગના હતા. જેથી તેમને ચોરી કરવાનો બહોળો અનુભવ છે. આ લોકો જ્યાં પણ ચોરી કરવા જતા હતા તેની પહેલા તેમના તમામ મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતા હતા. જેથી પોલીસને છારા ગેન્ગના મોબાઈલ લોકેશનની કોઈ વિગતો મળી શકે નહી. 

અમદાવાદની છારા ગેન્ગનો ગુનાહિત ઈતિહાસ

અમદાવાદની છારા ગેન્ગમાં અનેક કુખ્યાત લોકો સામેલ છે. જેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. છેલ્લા ૨૦ વર્ષથી આ ટોળકી ગુજરાત સિવાય પંજાબના ચંદીગઢ, રાજસ્થાનના જયપુર, કોટા, બિકાનેર, ભીલવાડા, આંધ્રપ્રદેશના હૈદરાબાદ, તેમજ દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં ચોરીઓ કરતા હતા. આ ઉપરાંત અમદાવાદના કાલુપુર, ઓઢવ, નવરંગપુરામાં પણ જ્વેલર્સની નજર ચુકવી ઘરેણાંની ચોરીઓમાં સામેલ હતા.

મુખ્ય આરોપી તેની પત્ની, બહેન અને બનેવી સામેલ હતા

મુખ્ય આરોપી પરમાર ચંદ્રકાન્ત ઉર્ફે મુન્નો વિનોદે પોતાની ટોળકીમાં પોતાની સગી બહેન પૂનમને સામેલ કરી હતી. ત્યારબાદ તેની પત્ની ગીરા તેમજ તેની સાથે રહેલા શખસના લગ્ન પોતાની બહેન સાથે કરાવી ચારેય જણા ઘણા સમયથી ચોરીઓ કરતા હતા.

ચાંદી તેમજ પ્લેટીનીયમની ખરાઈ કરતા હતા

મહેસાણા એસ.પી. ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું કે, આ ટોળકી પાસે ચાંદી અને પ્લેટીનીયમની ખરાઈ કરવાનું પ્રવાહી હતું. આ પ્રવાહી તેમણે અમદાવાદના સોની પાસે મેળવ્યું હોવાનું જણાઈ આવે છે. જ્યારે પણ આ ટોળકી ચોરી કરવા જતી હતી ત્યારે પ્રવાહી સાથે રાખતી હતી. અને ખરાઈ કર્યા બાદ જ ચોરી કરતા હતા. આ ટોળકી હજુ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોઈ એવું અમને લાગી રહ્યું છે.

7 ચોરીઓની કબૂલાત કરી

(૧) ચાણસ્મા ગામે સમોજ માતાના મંદિરમાં થયેલી ચોરી (૨) માણસા બાયપાસ પર આવેલ અંબે માના મંદિરમાં ચોરી (૩) કલોલના જોગણી માતાના મંદિરની ચોરી (૪) વિસનગર ચેહર માતા મંદિરમાં ચોરી (૫) ગોઝારીયા રોડ ઉપર આવેલ મહાદેવના મંદિરમાં ચોરી (૬) કઠલાલના ચેહરમાતાના મંદિરમાં ચોરી (૭) હિંમતનગર જતા ચીલોડા રોડ ઉપર આવેલ મંદિરની ચોરી

Tags :