શહેરમાં સવા 2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી, ઠેકઠેકાણે ભુવા પડયાં
- માર્ગોની આસપાસ ખોદકામ કરાયા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં થતાં જમીન બેસી જવાથી અનેક વાહનચાલકો ફસાયાં
ગાંધીનગર, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગર શહેરમાં ગુરુવારે મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેના પગલે ઠેકઠેકાણે પાણી ભરાઇ જવાના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતાં. તો બીજી તરફ માર્ગોની આસપાસ ખોદકામ કરાયા બાદ યોગ્ય રીતે પુરાણની કામગીરી નહીં થતાં જમીનો બેસી જવા પામી હતી. આમ તંત્ર દ્વારા થોડા સમય અગાઉ પાઇપલાઇન નાંખવાની કામગીરી માટે જે ખોદકામ કર્યું હતું તેનું પુરાણકામ યોગ્ય રીતે નહીં થતાં ઠેકઠેકાણે ભુવા પડી જવાથી વાહનો પણ ફસાઇ ગયા હતાં. આમ તંત્રની કામગીરીની પોલ સવા બે ઇંચ વરસાદે ખોલી નાંખી હતી.
રાજ્યના પાટનગરમાં અવાર નવાર તંત્ર દ્વારા પાઇપલાઇન નાંખવાની કામગીરી અંતર્ગત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામની પ્રવૃત્તિ પુર્ણ થયા બાદ યોગ્ય રીતે જમીનને સમતલ કરવા માટે પુરાણ પણ કરાતું હોય છે પરંતુ તેમાં લેવલીંગ જોવામાં નહીં આવતાં જમીન બેસી જવાથી ભુવા પણ પડી જતાં હોય છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે ગાંધીનગર શહેરમાં પણ આતરે દિવસે વરસાદ પડી રહ્યો છે. બુધવાર અને ગુરુવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આમ આ વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ એક કલાકના ગાળામાં સવાબે ઇંચ વરસાદ ધોધમાર વરસાદ વરસી જતાં પાણી ભરાઇ જવાના કારણે માર્ગોની આસપાસ જમીન પોલી જઇ જવાથી મસમોટા ભુવા પડી ગયા હતાં. તંત્ર દ્વારા થોડા સમય અગાઉ જ પાઇપલાઇનની કામગીરી પુર્ણ થયા બાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય રીતે કરવામાં નહીં આવતાં જમીનો ઠેકઠેકાણે બેસી ગઇ હતી. સેક્ટર-૧૩ પાસે કાર જમીનમાં ફસાઇ હતી. તો શહેરના અન્ય વિસ્તારોમાં ઝાડ પડવાની સાથે સાથે જમીનો બેસી જવાથી ભુવા પડતાં અનેક વાહનચાલકો અટવાયા હતાં. આમ તંત્ર દ્વારા જે પુરાણની કામગીરી કરવામાં આવી હતી તેની પોલ ખુલી ગઇ હોય તેવા દ્રશ્યો ગુરુવારે સાંજે શહેરમાં ઠેકઠેકાણે જોવા મળ્યાં હતાં. આમ દર વર્ષે ચોમાસાની મોસમમાં આ સમસ્યા ઉભી થાય છે છતાં તંત્ર દ્વારા કામગીરીમાં ગુણવતા જાળવવામાં આવતી નથી અને તેનો ભોગ સ્થાનિક રહિશોને બનવું પડે છે.