પુંધરાની સીમમાં વીજળી પડતાં બે કિશોરીઓના કરૃણ મોત
- વરસાદમાં ભીંજાયેલા કપડા બદલવા જતા
- છૂટક મજૂરી કરતા પરિવારોની સાથે રમતી બે બહેનપણીઓના એક સાથે મોતથી શોકનું મોજું
માણસા, તા. 25 જૂન 2020, ગુરૂવાર
માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં આવેલા ઉંચી કણજી વિસ્તારમાં રહેતા પરિવારની બે માસુમ બાળાઓ વરસાદમાં ભીના થયા હોવાથી કપડા બદલવા માટે કાચી ઓરડીમા ંગઈ હતી. તે સમયે જ આકાશી વીજળી ઓરડીમાં પડતા બંને માસુમ બાળા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને તાત્કાલિક વિજાપુર સારવારઅર્થે લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં પહોંચતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ માણસા મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
માણસા પાસેના પુંધરા ગામની સીમમાં ઉંચી કણજી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા અને ખેતી તથા છુટક મજુરી કામ કરતા રાઠોડ અર્જુનસિંહની પુત્રી સોનલબેન (ઉ.વ. ૧૫) તથા વણઝારા લાખાભાઈની પુત્રી મિતલબેન (ઉ.વ. ૧૨) નામની બાળકીઓ ગુરુવારે બપોરે થયેલા વરસાદને કારણે ભીંજાઈ હતી. જેથી પોતાના ભીંજાયેલા કપડા બદલવા માટે તેમના ઘર પાસેના કાચા ઝુંપડામાં ગઈ હતી અને તે સમયે જ આકાશમાં થયેલ કડાકાભેર વીજળી આ ઝુંપડાના બાજુમાં આવેલ લીમડાના ઝાડ સાથે અથડાઈને ઝુંપડીમાં બાળાઓ પર પડી હતી. જેમાં બંને કિશોરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. ઘટનાની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ ગંભીર થયેલી બંને બાળકીઓને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ગામના સરપંચ ગોમતીબેનને બનાવની જાણ કરતા તેમણે માણસા ટીડીઓ કાપડીયા તથા મામલતદાર શાહને જાણ કરી હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત બાળાઓને તાત્કાલિક ૧૦૮ મારફતે વિજાપુર ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને કંઈ સારવાર મળે તે પહેલા બંનેનું મોત થતા ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે ૧૦મા ધોરણ અને આઠમા ધોરણમાં ભણતી બંને બાળાઓના પરિવારજનો પર આભ તુટી પડયું હતું.