Get The App

સચિવાલયમાં આજથી તમામ કર્મચારીઓનું થર્મલ સ્કેનીંગ

- કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે

- દરેક બ્લોકમાં બે-બે હોમગાર્ડને સ્કેનીંગ કરવા માટે ગોઠવાયા લક્ષણ જણાય તો ઉપરી અધિકારીઓને જાણ કરવાની રહેશે

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
સચિવાલયમાં આજથી તમામ કર્મચારીઓનું થર્મલ સ્કેનીંગ 1 - image


ગાંધીનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે ત્યારે જયાથી સમગ્ર રાજયનો વહીવટ કરવામાં આવે છે તે નવા સચિવાલયમાં હજારો કર્મચારીઓમાં પણ આ સંક્રમણ ના પહોંચે તે હેતુથી સામાન્ય વહીવટ વિભાગે તકેદારીના ભાગરૂપે આવતીકાલ સોમવારથી સચિવાલયના તમામ બ્લોક/કચેરીમાં પ્રવેશતા કર્મચારીઓનું થર્મલ સ્કેનીંગ કરવાનો આદેશ આપ્યો છે અને જો કોઈ કર્મચારીને લક્ષણ જણાય તો તુરંત જ તેની નોંધ કરીને ઉપરી અધિકારીઓને જાણ કરવા પણ સૂચના અપાઈ છે.  

બે-બે મહિનાના લોકડાઉન બાદ પણ કોરોનાનું સંક્રમણ ઘટવાના બદલે સતત વધી રહયું છે. રાજયમાં હવે દરરોજ ૯૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહયા છે. એટલું જ નહીં ગાંધીનગર જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓ એક હજારને પાર પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં સમગ્ર રાજયનો જયાંથી વહીવટ કરવામાં આવે છે તે નવા સચિવાલય સંકુલમાં હજારો કર્મચારીઓ બેસતાં હોય છે અહીં જો કોરોનાનું સંક્રમણ શરૂ થાય તો ઘણા કર્મચારીઓ ઝપટમાં લઈ શકે છે. આવી સ્થિતિમાં સામાન્ય વહીવટ વિભાગે આદેશ જારી કર્યો છે કે નવા સચિવાલય સંકુલમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ મુલાકાતીઓનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવે. જે માટે દરેક બ્લોક દીઠ બે-બે હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે. આ હોમગાર્ડ દ્વારા કર્મચારીઓનું થર્મલ સ્કેનરથી ચેકીંગ કરવામાં આવશે અને જો કોઈને તાવના લક્ષણો જણાય તો તુરંત જ ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે અને ઉપરી અધિકારીઓને આ સંદર્ભે જાણ કરવાની રહેશે. આ માટે પ૦ જેટલા થર્મલ સ્કેનર પણ સલામતી શાખાને પુરા પાડી દેવામાં આવ્યા છે. આવતીકાલ સોમવારથી સચિવાલયમાં પ્રવેશતા તમામ લોકોનું સ્કેનીંગ કરવામાં આવશે. હાલ ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે સચિવાલયના તમામ વિભાગો કાર્યરત થઈ ગયા છે ત્યારે કર્મચારીઓને પણ ફરજિયાતપણે માસ્ક અને ફેસ કવર પહેરવા માટે સૂચના આપવામાં આવી છે અને ઉપરી અધિકારીઓને પણ કચેરીઓમાં ઓચિંતી તપાસ કરી આ જાહેરનામાંનુ યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોવા માટે કહી દેવામાં આવ્યું છે. 


Tags :