ઈ-મેમોના દંડ વસુલવા પોલીસ ઝુંબેશ હવે વધુ કડક બનાવાશે
- પાંચથી વધુ મેમો ફાટયા છે તેમના ઘરે રૂબરૂ દંડ વસુલવા પોલીસ પહોંચશેઃસૌથી વધુ એક વાહનચાલકના નામે ૩૬ મેમો બાકી
ગાંધીનગર,બુધવાર
ટ્રાફિક પોલીસની કામગીરીનું ભારણ ઘટાડવા માટે અને ટ્રાફિક નિયમોનું પાલન સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પોલીસના સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે જેના આધારે પોલીસ આ તમામ માર્ગો ઉપર બાજ નજર રાખી રહી છે. ત્યારે અહીંથી પસાર થતાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે ત્યારે કેમેરા મારફતે તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવતો હોય છે. જો કે પોલીસના ઈ-મેમોને ઘણા લોકો સહજતાથી લઈ રહયા છે અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તેનો દંડ ભરવા જતાં નથી તેના કારણે આ બાકીદારોની સંખ્યા પણ ઘણી મોટી થઈ ગઈ છે. ત્યારે પોલીસ દ્વારા ઈ-મેમોની હવે કડક ઉઘરાણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૃપે જે વાહનચાલકો પાંચથી વધુ ઈ-મેમો ફાટયા હોય તેમને પ્રાથમિક આપીને તેમના ઘરે દંડ વસુલવા પોલીસને મોકલવાનું નકકી થયું છે. ગાંધીનગરમાં એક વાહનચાલકને ૩૬ જેટલા મેમો ફાટયા છે અને હજુ સુધી તેણે એકપણ વખત દંડ ભર્યો નથી. એટલું જ નહીં પોલીસ દંડ નહીં ભરનાર વાહનચાલકોની વિગતો આરટીઓમાં પણ મોકલશે અને ત્યાંથી તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં પણ ભરાય તેવી શકયતા જોવાઈ રહી છે.