સે-16ના પાર્કિંગ પ્લેસમાં વરસાદી પાણી ભરાઇ ગયાં
- પાણીનો નિકાલ નહીં થતાં સવા બે ઇંચ વરસાદમાં જ
- સર્વિસ રોડ ઉપર ભરાતાં પાણીનું વહેણ પાર્કિંગની જગ્યામાં આવતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું
ગાંધીનગર, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર
શહેરના સેક્ટર-૧૬ના સર્વિસ રોડ ઉપર વાહનો યોગ્ય રીતે પાર્ક થઇ શકે તે માટે તંત્ર દ્વારા માર્ગને સમાંતર પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લેસમાં અસંખ્ય વાહન ચાલકો પોતાના વાહનો પણ પાર્ક કરી રહ્યાં છે. પરંતુ ચોમાસાની સીઝનમાં થોડો ઘણો વરસાદ પડે તો પણ આ પાર્કિંગ પ્લેસમાં પાણી ભરાઇ જાય છે. ગુરુવારે સવા બે ઇંચ વરસાદમાં જ આ તમામ પાર્કિંગ પ્લેસો પાણીથી તરબતર થઇ જતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
પાટનગરના સેક્ટર-૧૬ ખાતે આવેલાં સર્વિસ રોડ ઉપર રાષ્ટ્રીયકૃત અને સરકારી બેન્કો તથા અન્ય સરકારી કચેરીઓ અને ખાનગી એકમો આવેલાં છે. આ માર્ગ ઉપર રોજની અસંખ્ય વાહનોની અવર જવર થતી હોય છે તેમજ બેન્કો અને કચેરીઓમાં પણ મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતાં હોય છે ત્યારે વાહન લઇને આવતાં વાહન ચાલકો માટે આ માર્ગ ઉપર પાર્કિંગ પ્લેસ તંત્ર દ્વારા થોડા સમય અગાઉ બનાવવામાં આવ્યંુ હતું. પરંતુ આ પાર્કિંગ પ્લેસ આયોજન વગર બનાવવામાં આવ્યું હોય તેવું ચોમાસાની મોસમમાં નજરે પડી રહ્યું છે. ગુરુવારે સાંજના સમયે શહેરમાં પડેલાં સવા બે ઇંચ જેટલા વરસાદના પગલે મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર તો પાણી ભરાયા હતાં પરંતુ સેક્ટર-૧૬માં આવેલાં આ પાર્કિંગ પ્લેસમાં પણ આ વરસાદની અસર જોવા મળી હોય તેમ તમામ સ્થળોએ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આમ પાણીના નિકાલ માટે પણ કોઇ વ્યવસ્થા પાર્કિંગ પ્લેસમાં ઉભી કરવામાં નહીં આવતાં આ પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને વાહન ક્યાં પાર્ક કરવું તેની સામે પણ પ્રશ્નો ઉભા થયા હતાં. સર્વિસ રોડ ઉપરથી વરસાદી પાણીનો ઢાળ પાર્કિંગ પ્લેસમાં આવતો હોવાથી આ માર્ગ ઉપર ભરાયેલું વરસાદી પાણી પાર્કિંગ પ્લેસમાં એકઠું થતાં આ સમસ્યાનું નિર્માણ થયું છે. દિવસ દરમ્યાન અવર જવર કરતાં અસંખ્ય વાહન ચાલકોને આડેધડ સર્વિસ રોડ ઉપર વાહનો પાર્ક કરવાની ફરજ પડતાં અન્ય વાહન ચાલકો પણ પરેશાન થયાં હતાં.