ફી ઉઘરાવતી સ્કુલો સામે વાલીઓએ મોરચો માંડયો
- ઓનલાઇન એજ્યુકેશનના નામે
- કોરોનાના કપરાકાળમાં એફઆરસીના નિયમ કરતાં પણ વધારે ફી વસુલતી સ્કુલો સામે કાર્યવાહી કરવા માંગ
ગાંધીનગર, તા. 22 જુલાઇ 2020, બુધવાર
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી સ્કુલોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાના બહાને તગડી ફી વસુલવાનું શરૂ રાખ્યું છે. સરકારે વાલીઓને ફી ભરવા માટે દબાણ નહીં કરવાની આ કોરોનાકાળમાં ગાઇડલાઇન આપી હોવા છતાં સંચાલકો આ ગાઇડલાઇન જ નહીં પરંતુ એફઆરસીના નિયમને પણ ઘોળીને પી ગયા છે. ત્યારે આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વાલીમંડળે ઉગ્ર માંગ કરી છે.
કોરોનાના આ કપરાકાળમાં ગરીબ અને મધ્યમવર્ગની આવક ઉપર અસર પડી છે ત્યારે હાલ શાળાનું કાર્ય સંપુર્ણ રીતે કાર્યરત નથી તેવી સ્થિતિમાં શાળા સંચાલકોએ વાલીઓને ૧૦ થી પ૦ ટકા સુધીની ફીમાં રાહત આપવી જોઇએ તેવી માંગણી સાથે વાલી એકતા મંડળે ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી શાળાઓને લેખિત તથા મૌખિક અપીલ કરી છે. જ્યારે આ કોરોનાનો કાળ ક્યારે પુર્ણ થશે અને શાળાઓમાં નિયમિત શિક્ષણ ક્યારે શરૂ થશે તે બાબત નિશ્ચિત નથી. આવા સંજોગોમાં ઓનલાઇન એજ્યુકેશન આપતાં હોવાના બહાને શાળા દ્વારા પુરેપુરી ફી વસુલવામાં આવે છે. શાળામાં ટ્રાન્સ્પોટેશન, કોમ્પ્યુટર વિજ્ઞાાન લેબ, લાયબ્રેરી, સ્પોટર્સ કલબ, સ્ટેશનરી સહિત મેઇન્ટેનન્સના ખર્ચામાં ઘટાડો થયો છે. જ્યારે વિદ્યાર્થીઓની ફીમાં માનવતાનીરૂહે શાળા સંચાલકોએ ઘટાડો કરવો જોઇએ. આવી સ્થિતિમાં પણ કેટલીક સ્કુલો કમાણી કરવાનું ચુકતી નથી અને સરકારે જે એફઆરસીનું ફોરમેટ નક્કી કર્યું છે તેના કરતાં પણ ગેરકાયદે વધુ ફી વસુલવામાં આવે છે. જેની સામે પણ ગુજરાત વાલી એકતામંડળ દ્વારા વિરોધ પ્રદર્શીત કર્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારીને આવી સ્કુલ સામે કડક પગલાં ભરવા માટે પણ લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે.