શિક્ષિત બેરોજગારોએ સચિવાલય સામે જ સરકારનું બેસણું યોજ્યું
- પોલીસ પહેરો હટી જતાં ગાંધીનગરમાં
ગાંધીનગર, તા. 7 જુલાઇ 2020, મંગળવાર
રાજયમાં વિવિધ ભરતી પરીક્ષાઓના પરિણામ અને નવી ભરતી નહીં કરાતાં તેના વિરોધ માટે શિક્ષિત બેરોજગારોએ આજે પોલીસ પહેરો હટતાંની સાથે જ ગાંધીનગરમાં ઘુસી સચિવાલય સામે સરકારનું બેસણું યોજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ૧પથી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. આ બેરોજગારોએ સરકાર હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
તાબડતોડ પહોંચેલી પોલીસે ૧પથી વધુ આગેવાનોની અટકાયત કરીઃબેરોજગારોએ સરકાર હાય..હાય..ના નારા લગાવ્યા
રાજયમાં કોરોના કાળના કારણે સરકારે જે જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લીધી હતી તેના પરિણામ જાહેર કરવામાં આવતા નથી અને નવી ભરતીઓ સંદર્ભે જાહેરાત પણ આપવામાં આવતી નથી તેમજ લોકરક્ષકમાં પુરુષ ઉમેદવારોને કરવામાં આવતાં અન્યાય સહિતની વિવિધ માંગણીઓ સાથે ગઈકાલે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો યુવાનો આંદોલન કરવાના હોવાની માહિતીના પગલે ગાંધીનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે ગઈકાલે આગેવાનો કે કોઈ શિક્ષિત બેરોજગારો ગાંધીનગર પહોંચ્યા નહોતા. ત્યારે આજે ઓચિંતા જ દિનેશ બાંભણીયા, યુવરાજસિંહ જાડેજા સહિત કેટલાક શિક્ષિત બેરોજગારો ગાંધીનગરમાં ઘુસી ગયા હતા અને સચિવાલયની સામે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના મહોરા પહેરી સરકારનું બેસણું યોજ્યું હતું. પરીક્ષાઓના પરીણામ તાત્કાલિક આપવાની માંગણી પણ કરી હતી. સરકાર હાય.. હાય.. ના નારા પણ લગાવ્યા હતા. જેના પગલે ગાંધીનગર પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તુરંત જ ચ-માર્ગ ઉપર પહોંચ્યો હતો અને સચિવાલય સામેથી શિક્ષિત બેરોેજગારોની અટકાયત કરી લીધી હતી.