ચિલોડામાં વેપારી આગેવાન અને કલોલમાં વૃધ્ધાનું કોરોનાથી મોત
ગાંધીનગર, તા. 28 જૂન 2020, રવિવાર
ગાંધીનગર જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. મોટા ચિલોડામાં રહેતાં અને વેપારી આગેવાન ૬૦ વર્ષિય પુરુષને કોરોના થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. કોરોના સામેની જંગ તેઓ આજે હારી ગયાં હતાં. જેને લઇને ગામમાં શોકનો માહોલ જોવા મળતો હતો. આ ઉપરાંત કલોલમાં વધુ એક મોત થયું છે. પંચવટી વિસ્તારમાં આવેલી સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષિય વૃદ્ધા કે જેમને ડાયાબીટીસ અને હાઇપરટેન્શની પણ બિમારી હતી. તેઓનું આજે મોત થતાં ગાંધીનગરમાં મૃત્યુઆંક વધીને ૪૪ સુધી પહોંચ્યો છે. જ્યારે આજે ૨૩ જેટલાં પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે.
પાટનગરમાં આજે વધુ બે કેસ ઉમેરાયાં છે જેથી પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૦૫ સુધી પહોંચી ગયો છે. સેક્ટર-૫માં વધુ એક કેસ સામે આવ્યો છે. બેન્ક ઓફ બરોડાની જીઆઇડીસી બ્રાન્ચમાં નોકરી કરતો ૩૧ વર્ષિય યુવાન કોરોનામાં પટકાયો છે. જેના ઘરના ત્રણ વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરાયાં છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં રહેતા અને છુટક કામ કરતાં ૪૨ વર્ષિય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે ગાંધીનગર નજીકના પેથાપુર ગામમાં રહેતા ૫૫ વર્ષિય આધેડ કે જે અમદાવાદ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે તે પણ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત શેરથામાં રહેતા ૫૩ વર્ષિય આધેડ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેઓ ટોલ પ્લાઝામાં ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોઝિટિવ આવેલી ઉવારસદની મહિલાના ૬૨ વર્ષિય પતિ પણ સંક્રમિત થયા છે. જ્યારે મહેસાણા જઇને આવેલાં રૃપાલની ૪૭ વર્ષિય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. આ ઉપરાંત અડાલજની સરસ્વતી સોસાયટીમાં રહેતી ૪૨ વર્ષિય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થઇ છે. જ્યારે ઝુંડાલમાં રહેતી ૪૩ વર્ષિય મહિલા પણ કોરોના પોઝિટિવ આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે બે કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે. શ્રીમસ્કવેર ખાતે રહેતાં ૪૭ વર્ષિય પુરુષને છેલ્લા બે દિવસથી તાવની તકલીફ રહેતી હતી. તેમને સ્થાનિક ડોક્ટરને બતાવ્યું હતું. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જવાની સલાહ આપતાં સિવિલમાં આ દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે આજે પોઝિટિવ આવ્યું છે. જ્યારે દહેગામમાં રહેતા અને શાકમાર્કેટમાં સ્ટેશનરીની દુકાન ધરાવતાં ૬૦ વર્ષિય વેપારી સંક્રમિત થયાં છે.
કલોલમાં કોરોનાથી આજે વધુ એક મોત થતાં મૃત્યુઆંક વધીને ૧૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે નવા સાત પોઝિટિવ દર્દીઓ પણ નોંધાયાં છે. જામનગરપુરા આરસોડીયામાં રહેેતા ૫૦ વર્ષિય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કલોલના ઘાંચીવાડ ખાતે રહેતાં ૫૭ વર્ષિય પુરુષ, કલોલ પૂર્વની મંજુર હાઉસીંગ સોસાયટી ખાતે રહેતાં ૬૧ વર્ષિય પુરુષ, રકનપુરની સેન્ટોસાગ્રીનલેન્ડમાં રહેતો ૨૪ વર્ષિય યુવાન, જાસપુરનો ૪૮ વર્ષિય પુરુષ, નંદલાલ ચોકમાં રહેતી ૩૦ વર્ષિય યુવતિ તેમજ પંચવટીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. કલોલમાં નવા સાત કેસ ઉમેરાતાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૯૧ સુધી પહોંચી ગયો છે.