ગેરકાયદેસર ફેક્ટરી બંધ કરાવી તે પુનઃ ધમધમતી થઇ
- કડાદરા પાસે લોકડાઉન પૂર્વે પોલીસ ફરિયાદ કરાઇ હતી
- ખેતીલાયક જમીનોને નુકશાન કરતી આવી કંપનીઓ સામે જિલ્લા કલેક્ટર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત
ગાંધીનગર, તા. 14 જુલાઇ 2020, મંગળવાર
દહેગામના કડાદરા ગામની સીમમાં આવેલી તેલ ઉત્પાદિત કરતી ફેક્ટરીના સંચાલકો સામે પર્યાવારણને નુકશાન કરતી અંગેની ફરિયાદ રખીયાલ પોલીસ મથકમાં લોકડાઉન પૂર્વે નોંધાઇ હતી. ત્યારબાદ આ ફેક્ટરી બંધ થઇ ગઇ હતી પરંતુ આ ફેક્ટરી પુનઃ ધમધમતી થતાં ગામ લોકોએ જિલ્લા કલેક્ટર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરી છે.
ગામ લોકોએ કરેલી રજુઆત મુજબ લોકડાઉન પૂર્વે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડભોડાની હદમાં ફિરોજપુરમાં ખેતીની જમીનમાં ધમધમતી અને પ્રદૂષિત પાણી કેનાલમાં ઠાલવતી ફેક્ટરી સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત દહેગામના કડાદરા નજીક અને બિન અધિકૃત રીતે સ્પેન્ટઅર્થમાંથી તેલ બનાવતી ફેક્ટરીના સંચાલક અલ્પેશ પ્રજાપતિ અને જમીન માલિક સામે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાાનિક અધિકારી એસ.આર.પટેલ રખિયાલ પોલીસ મથકમાં લોકડાઉન પૂર્વે ફરિયાદ નોંધાવી હતી. આ પ્લાન્ટમાંથી નીકળતા ગંદા પાણીનો કોઇપણ જાતનો શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વિના પોન્ડમાં નિકાલ કરવામાં આવતો હતો અને પર્યાવરણને પ્રદુષિત કરાતું હતું જે પગલે પોલીસે તે સમયે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે થોડો સમય આ પંથકમાં ફેક્ટરી બંધ રહ્યા બાદ ખેતીલાયક જમીનને નુકશાનકારક આ ફેક્ટરી પુનઃ ધમધમતી થઇ છે અને તે અંગે સ્થાનિકોમાં નારાજગી ઉભી થઇ છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહીત ઉચ્ચકક્ષાએ રજૂઆતો ગામ લોકો દ્વારા થઇ છે.