કલોલમાં 3 બાળકોની માતાનો આપઘાતઃસાસરિયા સામે ફરિયાદ
- પરિણીતાનો મૃતદેહ પિયજ કેનાલમાંથી મળ્યો હતોઃપતિ,સાસુ સસરા અને નણંદ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો
કલોલ, તા. 18 જુલાઇ 2020, શનિવાર
કલોલના પિયજમાં આવેલી નર્મદા કેનાલમાંથી પરિમીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં મૃતક યુવતીના ભાઇની ફરિયાદને આધારે પોલીસે તેણીના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સાસરિયાના શારીરિક માનસિક ત્રાસને લીધે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં દાખલ થઇ છે.
ભુજના અંજાર વિસ્તારમાં રહેતી મેઘાબેન દંતાણીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ કલોલના ઇન્દિરાનગરના છાપરામાં રહેતા જીતેન્દ્ર રમેશભાઇ દંતાણી સાથે થયા હતા. લગ્ન જીવનથી પરિમીતાએ બે બેબી અને એક બાબાને જન્મ આપ્યો હતો. ત્યારે અંદાજે ત્રણેક દિવસ અગાઉ પરિણીતા પોતાના ઘરેથી ચાલી નીકળી હતી. ત્યારે ગઇકાલે તેની લાશ પીયજની કેનાલમાંથી મળી આવી હતી. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. જો કે મૃતક યુવતીના ભાઇએ કલોલ તાલુકા પોલીસ મથકમાં તેના સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશાલ નટવરભાઇ દંતાણીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાની બહેન નિશાને શરૂઆત ના પાંચ વર્ષ સારૂં રાખ્યા પછી તેના સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે મેઘા ફોન પર પિયરમાં જણાવતી પણ હતી પરંતુ ત્રણ બાળકો હોવાથી તેના પિયર પક્ષના લોકો તેને સમજાવીને સમાધાન કરીને રહેવા જણાવતા હતા પરંતુ સાસરિયાના અસહ્ય ત્રાસથી અને ત્રાસ સહન નહીં થતા મેઘાબેને કેનાલમાં ઝપલાવી જિંદગીનો અંત લાવી દીધો હોવાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે તેણીના પતિ જીતેન્દ્ર રમેશભાઇ દંતાણી, સસરા રમેશ હીરાભાઇ દંતાણી, સાસુ મંજુલાબેન રમેશભાઇ દંતાણી અને નણંદ નિશાબેન રમેશભાઇ દંતાણી વિરૂધ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી ચારેય આરોપીની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.