ચિલોડાના જવેલર્સ પાસેથી 19 લાખની છેતરપીંડી કરનાર સદ્દામ હુસેન પકડાયો
-ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી લીધોઃપેથાપુર વિસનગર અને પાટણમાં પણ છેતરપીંડી આચરી
ગાંધીનગર, તા. 28 જૂન 2020, રવિવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાના જવેલર્સને વિશ્વાસમાં લઈ મગોડીમાં રહેતા શખ્સે દાગીના ઉપર ધિરાણ મેળવીને તબક્કાવાર ૧૯.૩પ લાખ જેવી માતબર રકમ લઈ ગાયબ થઈ ગયો હતો. જે સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ આરોપીને ઝડપી પાડયો છે અને તેની પુછપરછમાં અન્ય છેતરપીંડીના ગુનાઓ પણ બહાર આવ્યા છે.
ચિલોડામાં પૂનમ બંગલોઝમાં રહેતા અને ચિલોડા દહેગામ રોડ ઉપર જવેલર્સની દુકાન ચલાવતાં લલિતસિંહ પરબતસિંહ ઠાકોર દાગીના ઉપર ધિરાણ પણ આપે છે. છ વર્ષ અગાઉ તેમની દુકાનમાં મગોડી ગામમાં રહેતો સદ્દામ હુસેન મહેમુદભાઈ સંધી તેની પત્નિ સાથે આવ્યો હતો અને દાગીના ખરીદયા બાદ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ સદ્દામ અવારનવાર દાગીના ઉપર રૂપિયા ધિરાણે લઈ જતો હતો. તબક્કાવાર ૧૯.૩પ લાખ જેટલી માતબર રકમ લઈને તે ગાયબ થઈ ગયો હતો. જે સંદર્ભે વેપારીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ આરોપીને પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીના પીએસઆઈ વી.કે.રાઠોડ અને ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે કો.જીગ્નેશભાઈની બાતમીના આધારે ચિલોડા નવા બનેલા પુલ નીચેથી સદ્દામ હુસેનને ઝડપી લેવાયો હતો. આ છેતરપીંડી ઉપરાંત તેણે વિસનગરમાં તેણે મિત્ર પાસેથી ચાર લાખ, પેથાપુરમાં જવેલર્સ પાસેથી બે લાખ અને પાટણમાં એલઆઈસીમાં નોકરી આપવાના બહાને ૩પ હજારની છેતરપીંડી આચરી હોવાની કબુલાત કરી છે. હાલ તો તેની અટકાયત કરીને ચિલોડા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.