મહેસાણા જિલ્લાના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યાઃ 18 પેન્ડીંગ
- હાશકારોઃ દિવસમાં એકપણ કેસ ન નોંધાયો
- 86 પોઝીટીવ દર્દીઓમાંથી 51 સાજા થતાં રજા મળી, 31 હજુ સારવાર હેઠળઃ 4ના મોત
મહેસાણા,તા.24 મે 2020, રવિવાર
મહેસાણા જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ પોઝીટીવ ન આવતાં તંત્રએ હાશકારો ખાધો હતો. અગાઉ લેવામાં આવેલા સેમ્પલ પૈકી રવિવારે ૩૩ વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જ્યારે ૧૮ના રિપોર્ટ પેન્ડીંગ છે. જિલ્લામાં અત્યારસુધીમાં ૮૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૫૧ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૪ વ્યક્તિના મોત થયા છે.
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર મહેસાણા જિલ્લામાં પણ વર્તાઈ રહ્યો છે. અત્યારસુધી ૮૬ વ્યક્તિ કોરોનામાં સપડાયા છે. જેમાંથી ચાર જણાના મોત નીપજ્યા છે. જોકે વહિવટીતંત્ર અને આરોગ્ય તંત્રની ટીમોની સતર્કતાથી જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લામાં અત્યારસુધી શંકાસ્પદ લક્ષણો ધરાવતા અથવા પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા ૧૧૪૨ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૨૯ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હજુ ૧૮ના રિપોર્ટ પેન્ડીંગ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ૮૬ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી મહેસાણાની સાંઈક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨૫, વડનગર કોવિડ હોસ્પિટલના ૨૪ અને ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨ મળી ૫૧ દર્દીઓ સાજા થયા છે. હજુ કોરોનાગ્રસ્ત ૩૧ વ્યક્તિઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા છે.