માણસાની વૃધ્ધાનું ઘરે મૃત્યુ થયા બાદ રીપોર્ટ પોઝિટિવ
ગાંધીનગર, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર
આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાટણપુરામાંથી કોરોનાનો ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવી રહ્યો છે. પાટણપુરામાં રહેતી ૬૩ વર્ષિય વૃધ્ધાને છેલ્લા ઘણા દિવસોથી તાવ સહિતની તકલીફો રહેતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સમાં પણ આ વૃધ્ધાને કોરોનાના લક્ષણો હોવાનું સામે આવ્યું હતું જેને લઇને હેલ્થ ડિપાર્ટમેન્ટના સર્વેયર દ્વારા તેમને દાખલ થઇને ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું આ દરમિયાન તેમણે ખાનગી હોસ્પિટલમાં તાવની સારવાર લીધી હતી. જેમાં તેમને તાવમાં તો રાહત રહેતી હતી પરંતુ ડાયાબીટીસ વધુ રહેતો હતો તથા ધબકારા નિયમીત રહેતા ન હતી જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે આ વૃધ્ધાના સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા તે દરમિયાન જ આ વૃધ્ધાની ઘરે જ તબીયત લથડી હતી અને તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજીબાજુ આ વૃધ્ધના સેમ્પલનું પરીક્ષણ કરતા આજે આ મૃતક વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક બીજા આરોગ્યના સર્વેલન્સમાં આ વૃધ્ધને કોરોનાના લક્ષણો જણાયા હતા પરંતુ ટેસ્ટ કરવામાં વિલંભ અને દાખલ નહીં થવાને કારણે આ વૃધ્ધાનું ઘરે જ મોત નિપજ્યું હતું. ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું ઘરે જ મૃત્યું થયું હોય તેવો આ પ્રથમ બનાવ છે ત્યારે આરોગ્ય વિભાગે પણ આવા કેસમાં સતર્કતા દાખવીને તેમને હોસ્પિટલમાં સઘન સારવાર મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઇએ તો બીજીબાજુ નાગરિકોએ પણ લક્ષણો જણાય ત્યારે અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે કોરોનાનો ટેસ્ટ કરાવીને સંબંધીત સારવાર લઇ લેવી જોઇએ જેથી આવા મૃત્યુના કિસ્સા ઘટાડી શકાય તેમ નિષ્ણાંતોનો મત છે. આ ઉપરાંત માણસા શહેરમાંથી ૪પ વર્ષીય પુરુષ જયારે લોદરામાંથી વધુ એક કેસ સામે આવી રહયો છે.