મહેસાણામાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહી કરાય તો દંડાશો
- જિલ્લા વહિવટી તંત્ર હરકતમાં આવ્યું
- સમાજવાડી, લગ્નહોલ, જાહેરસ્થળો પર સેનીટાઈઝરની વ્યવસ્થા રાખવી પડશે
મહેસાણા,તા.05 જુલાઈ 2020, રવિવાર
મહેસાણામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શહેર સહિત જિલ્લામાં ૩૦૦થી વધુ પોઝીટીવ કેસોનો આંકડો પહોંચી ગયો છે. લોકડાઉન ખુલ્યા બાદ ધંધા-રોજગાર હળવા થતા જ સ્થાનિક સંક્રમણ વધ્યું છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા વહિવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને જો જાહેર સ્થળો પર સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહી કરો તો દંડાવા માટે તૈયાર રહેજો. માટે કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને સોશ્યલ ડીસ્ટન્સની અપીલ કરી છે.
મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં જાહેર સ્થળો પર બજારમાં તેમજ સમાજવાડી, લગ્નહોલ લોકોની ભીડ જોવા મળી રહી છે. જેથી વહિવટીતંત્ર સજાગ થયું છે. લગ્ન હોલ કે સમાજવાડી પર ૫૦થી વધુ લોકો એકત્રિત ન થાય તે માટે સંસ્થાના પ્રમુખ દ્વારા આ બાબતે પહેલ કરી જાગૃત કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ માનવ સમુદાય એકઠા થાય ત્યારે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે ફરજીયાતપણે માસ્ક પહેરવા અપીલ કરાઈ છે. ઘરની બહાર નીકળવા પ્રસંગે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. લગ્નના સ્થળો જેવા કે લગ્નના હોલ સમાજવાડી સ્થળોએ અધિકતમ રીતે લગ્નના કાર્યક્રમ કરવામાં આવે ત્યારે હેન્ડવોશ, સેની ટાઈઝેશનની જરૃરી વ્યવસ્થા સંચાલક દ્વારા ફરજીયાત કરવાના રહેશે. તેમજ સંસ્થાના સંચાલકો દ્વારા આ પ્રકારની વ્યવસ્થા જળવાય તેવો ખાસ પ્રબંધ કરવા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ કડક સુચના આપી છે અને સુચનાનુ પાલન ન કરનારા સંચાલકો તેમજ નાગરિકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.