આદિવાડામાં મહિલાના ઘરમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડયો
- સે-૮ના ચર્ચ પાસેથી પણ પોલીસે અમિયાપુરના યુવાનને વિદેશી દારૂની ૧ર બોટલ સાથે પકડી ગુનો નોંધ્યો
ગાંધીનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે શહેરના આદિવાડામાં સે-ર૧ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની ૪૭ બોટલ સાથે મહિલાને ઝડપી પાડી હતી. તો બીજી બાજુ સે-૭ પોલીસે પણ સે-૮ ચર્ચ પાસેથી બાઈક સવાર યુવાન પાસેથી વિદેશી દારૂની ૧ર બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી આવો દારૂ વેચાતા હોય તેવા સ્થળોએ દરોડો પાડીને દારૂ પકડી રહી છે ત્યારે સે-ર૧ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે.ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે આદિવાડા ગામે રહેતી રેખાબેન અશ્વિનભાઈ દંતાણી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના પગલે ગઈકાલે મોડી સાંજે પોલીસ ટીમે દરોડો પાડતાં આ મહિલાના ઘરે પ્લાસ્ટિકના થેલામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ર૮ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. તો બીજી બાજુ સે-૭ પોલીસની ટીમે સે-૮ ચર્ચ પાસેથી જીજે-૧૮-સીકે-૧૪પપ નંબરના બાઈક સાથે ગાંધીનગરના અમિયાપુર ગામના યુવાન નરેશ ગોબરજી ઠાકોરને વિદેશી દારૂની ૧ર બોટલ સાથે ઝડપી પાડયો હતો. જેની પાસેથી એક ફોન અને બાઈક મળી કુલ ૩૦૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.