ઉ.ગુ.માં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દેકોંગ્રેસ દ્વારા દેખાવો
- મહેસાણા, પાલનપુરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનાર કોંગી આગેવાનોની અટકાયત
મહેસાણા,પાલનપુર,તા.૨૯
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ સામાન્ય નાગરિકો સહિત ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. છેલ્લા કેટલાય દિવસથી કુદકેને ભૂસકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ ડીઝલનો ભાવ પેટ્રોલથી આગળ નીકળી જતા મોંઘવારીનો માર સહન કરતી પ્રજાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં વિરોધ કરી રહેલા કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન રહેવાથી ધંધા-રોજગારને માઠી અસર પાડી હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે. તેવા કપરા સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ નીચા હોવાછતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચ વટાવી દેતા લોકોને મોંઘવારીનો માર સહન કરવાની ફરજ પડી રહી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નિયંત્રણ લાવવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને ઘેરવા માટે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં મહેસાણા ખાતે કોંગી આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર એચ.કે.પટેલને આવેદનપત્ર સોંપી રજૂઆત કરાઈ હતી. આ સમયે પોલીસ અને કોંગી કાર્યકર વચ્ચે તું તું મૈં મૈં પણ થઈ હતી. પાટણમાં પણ કોંગી કાર્યકરોએ પેટ્રલો-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની ગુરુનાનક ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સહિત ૨૦ જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.