ગાંધીનગર, તા. 11 જુલાઈ 2020, શનિવાર
શહેર નજીક આવેલા પેથાપુરમાં વોર્ડનં.૪માં માર્ગ બનાવવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં હતી. ત્યારે આજદિન સુધી આ કામ પૂર્ણ નહિં થતાં આ વિસ્તારમાં લોકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડે છે. સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પેથાપુર ગામમાં આવેલા બાલાજી વિહારથી બળિયાદેવ મંદિર સુધીનો માર્ગ બનાવવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. જે અંતર્ગત છ મહિના અગાઉ આ કામગીરી શરૃ કરવામાં આવી હતી. ત્યારે હજુ સુધી કામગીરી પૂર્ણ નહિ થતાં અવર જવર કરતાં વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરીને અવર જવર કરવી પડે છે. તો જે માર્ગ બનાવવામાં આવ્યો છે. તેની કામગીરી પણ નબળી હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. માર્ગની કામગીરી અંતર્ગત નાંખવામાં આવેલા સળીયા અને ખીલ્લાં બહાર નીકળી આવતાં વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાયા બાદ કામગીરી બંધ કરી દેવાતાં આ વોર્ડના રહિશોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. ચોમાસાની મોસમ ચાલી રહી છે. ત્યારે ખોદકામનાં લીધે પાણી ભરાવાથી મુશ્કેલી વેઠીને અવર જવર કરવી પડે છે. તંત્ર દ્વારા સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા ચાલી રહેલી મંથરગતિની કામગીરીથી રહિશોમાં રોષ ઉભો થયો છે.


