ચ-6 નજીક કોલવડાની વૃધ્ધાના દાગીના બે લુંટારૂઓએ લૂંટી લીધા
ગાંધીનગર, તા. 19 જૂન 2020, શુક્રવાર
ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારોમાં ગઠીયાઓ અને લૂંટારૃઓ સક્રિય થયા છે ત્યારે કોલવડામાં રહેતાં અમરતબા જવાનજી સોલંકી ગત બુધવારે ઘ-પ નજીક તબીબને ત્યાં દવા લેવા આવ્યા હતા અને ત્યાંથી ઘરે કોલવડા જવા માટે ઉભા હતા તે દરમ્યાન તેમની નજીક એક યુવાન આવ્યો હતો અને વડોદરાનું સરનામું પુછયું હતું. ત્યારબાદ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો હતો અને આ યુવાન પાસે પણ તેણે સરનામું પુછયું હતું. ત્યારબાદ તેની પાસે રૃપિયા નહીં હોવાનું કહેતાં અન્ય યુવાને ર૦ રૃપિયા અને વૃધ્ધા અમરતબાએ પ૦ રૃપિયાની મદદ કરી હતી. તે સમયે એક રીક્ષા ત્યાં આવી પહોંચી હતી અને આ બન્ને યુવાનોએ રીક્ષા કોલવડા જાય છે તેમ કહેતા વૃધ્ધા તેમાં બેસી ગયા હતા અને યુવાનો પણ રીક્ષામાં સવાર થઈ ગયા હતા. જો કે ઘ-૬થી કોલવડા તરફ જવાના બદલે રીક્ષા ચ-૬ તરફ જતાં વૃધ્ધાએ કારણ પુછતાં થોડુ કામ પતાવીને કોલવડા જઈશું તેમ ચાલકે કહયું હતું. ત્યારબાદ ચ-૬ નજીક રીક્ષા ઉભી રાખી દીધી હતી અને વૃધ્ધાને નીચે ઉતારી આ બે યુવાનોએ વૃધ્ધાને ધાકધમકી આપી તેમની પાસે રહેલા સોનાના કાપ તેમજ ચાંદીના કડલા લૂંટી લીધા હતા. રપ હજારની મત્તા લૂંટી આ લૂંટારૃઓ નાસી છુટયા હતા અને ત્યારબાદ હેબતાઈ ગયેલા વૃધ્ધા ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોને જાણ કર્યા બાદ આ સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.