કડી નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ દારૃની બોટલો શોધી કાઢતી એનડીઆરએફની ટીમ
- ગાંધીનગર રેન્જ આઈજી, એ સપી હાજર, મહેસાણા પોલીસ માટે શરમજનક ઘટના
- કડીની નર્મદા કેનાલ ૨૦ ફૂટ ઊંડી હોવાથી સ્પેશ્યલ ટીમને દારૃની બોટલો કાઢવા બોલાવાઈ ૨૪ કલાકની કામગીરી બાદ બે કોથળા ભરી ૫૫ બોટલો કાઢી
મહેસાણા,
તા. 23 મે, 2020, શનિવાર
પોલીસ દ્વારા બુટલેગરો પાસેથી કબજે કરવામાં આવેલ વિદેશી
દારૃનો લોકડાઉનમાં કડી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના થયેલા ચોંકાવનારા
ઘટસ્ફોટ બાદ શનિવારે ગાંધીનગર રેન્જ આઈજી,
ગાંધીનગરના તપાસનીશ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં
એનડીઆરએફની ટીમ દ્વારા નરસિંહપુરા નજીક નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ દારૃની
બોટલો શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફળતા મેળવી કેનાલમાંથી
અત્યાર સુધી બે કોથળા ભરીને૫૫ વિદેશી દારૃની બોટલો કાઢવામાં આવી છે. દરમિયાન
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે આ મામલે સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે ગુનો
દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કોરોના અંતર્ગત લોકડાઉનના અમલ માટેની કામગીરીમાં મહેસાણા
પોલીસ અગ્રેસર રહી હતી. પરંતુ શુક્રવારે કડીમાં લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવતા
હડકંપ મચી જવા પામ્યો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કડી પોલીસ દ્વારા અગાઉ બુટલેગરો
પાસેથી વિદેશી દારૃનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. લોકડાઉનમાં આ જપ્ત કરાયેલ
દારૃનો વેપલો ખુદ પોલીસના જ કેટલાક કર્મચારીઓએ શરૃ કર્યો હોવાની ગંધ ગાંધીનગર
રેન્જના આઈજી મયંક ચાવડાને મળી હતી. જેના આધારે તેમણે બે દિવસથી પોતાની ટીમ દ્વારા
કડીમાં તપાસ આદરી હતી. જેમાં સમગ્ર હકિકતનો ભંડાફોડ થયો હતો અને આ કેસની તપાસ
ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાને સોંપવામાં આવી હતી. કડીના નરસિંહપુરા નજીક
નર્મદા કેનાલ પાસેની ઝાડીઓમાંથી દારૃના ખાલી ખોખા મળી આવ્યા હતા. દરમિયાન શનિવારે
રેન્જ આઈજી સહિતનો પોલીસ કાફલો નરસિંહપુરા નર્મદા કેનાલના સ્થળે પહોંચી ગયો હતો.
અહીં એનડીઆરએફ અને ફાયર ફાયટરની ટીમોએ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવેલ દારૃની
બોટલો શોધવાની કામગીરી શરૃ કરી હતી. જેમાં કેનાલમાંથી એક પછી એક દારૃની બોટલો શોધી
કાઢવામાં આવી હતી. નોંધપાત્ર છે કે હજુ પણ દારૃની બોટલો પાણીમાંથી બહાર કાઢવાની
પ્રક્રિયા ચાલુ છે. વળી આ સમગ્ર મામલે સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ
કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકડાઉનમાં 'હપ્તા' બંધ થતાં દારૃનો
વેપાર સુઝ્યો હોવાની ચર્ચા
લોકડાઉનને કારણે બે માસથી દારૃ, જુગારની પ્રવૃતિઓ
તેમજ ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનો પણ બંધ હોવાથી 'હપ્તારાજ'ને બ્રેક લાગી ગઈ
છે. પરિણામે ઉપરની કમાઈથી ટેવાયેલા કેટલાક પોલીસ કર્મચારીઓને દારૃનો વેપાર કરવાનો
નુસખો સુઝ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
કડીના પીઆઈ દેસાઈ સહિતના કેટલાક પોલીસકર્મી ભુગર્ભમાં ગયા
કડીમાં વિદેશી દારૃનો વેપારનો મામલો સામે આવતા જ કડીના પીઆઈ
ઓ.એમ. દેસાઈ, પીએસઆઈ
પટેલ સહિતના કેટલાક પોલીસ કર્મીઓના મોબાઈલ સ્વીચ ઓફ થયા હતા. તેઓનો સંપર્ક કરવાના
પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જેનાથી લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
કેનાલમાંથી દારૃની બોટલો કાઢવામાં આવી રહી છે,ડીઆઈજી
ગાંધીનગર રેન્જના ડીઆઈજી મયંક ચાવડાએ નર્મદા કેનાલમાંથી
દારૃની બોટલો કાઢવાની કામગીરી થઈ રહી છે. જ્યારે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ હોવાનું
જણાવ્યું હતું. જ્યારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક અને આ કેસના તપાસ અધિકારી
મયુરસિંહ ચાવડાએ હજુ તપાસ ચાલુ હોવાથી ગુનો નોંધાયો નથી તેમ ઉમેર્યું હતું.
મહેસાણા એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ દેસાઈ કડી મુકાયા હતા
વર્ષો સુધી અમદાવાદ શહેરમાં ફરજ બજાવીને પીઆઈ એ.એમ. દેસાઈની
આઠેક માસ પૂર્વે મહેસાણા ખાતે બદલી થતા તેઓને એસઓજી શાખામાં મુકવામાં આવ્યા હતા.
દરમિયાન કડી પંથકમાં અસામાજિક પ્રવૃતિઓ નિરંકુશ
બનતા પોલીસ અધિક્ષક મનિષસિંહે હત્યા,
ધાડ, ચોરી, બળાત્કાર જેવા
ગંભીર ગુનાઓ અટકાવવા પીઆઈ દેસાઈને કડી પોલીસ મથકમાં મુકાયા હતા.