મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા દરોડો પાડી 24 બોટલો જપ્ત કરાયા
- એલપીજી સિલીન્ડરમાં 14ને બદલે 12 કિલો ગેસ નીકળ્યું
- મેઉના ગ્રાહકોની જાગૃતતાથી પર્દાફાશ થયો ગોઝારીયાની જલદીપ ગેસ એજન્સી સામે કાર્યવાહી
મહેસાણા,તા.11 જુલાઈ 2020, શનિવાર
મહેસાણા તોલમાપ વિભાગે મેઉ ગામમાં ગોઝારીયા ખાતે આવેલ જલદીપ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને વિતરણ કરવામાં આવતા એલપીજીના સિલીન્ડરના વજનની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૨૩ બોટલોમાં ગેસનો જથ્થો ઓછો માલુમ પડયો હતો. જેથી તંત્રએ ગેસની સીલબંધ ૨૪ બોટલો જપ્ત કરી હતી અને ગેસ એજન્સી સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય રીતે એલપીજી ગેસના સિલિન્ડરમાં ગેસનો નિયત જથ્થો ૧૪.૨૦૦ કિલોગ્રામ હોય છે. પરંતુ મહેસાણા તાલુકાના મેઉ ગામના ગ્રાહકોને ગોઝારીયા ખાતે આવેલી જલદીપ ગેસ એજન્સી દ્વારા વિતરણ કરવામાં આવતા સિલીન્ડરમાં ગેસનો જથ્થો ઓછો મળતો હોવાની રાવ ઉઠી હતી. તે અન્વયે મહેસાણા તોલમાપ વિભાગ અધિકારી એન.એમ.રાઠોડ અને તેમની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. એજન્સી દ્વારા ગ્રાહકોને વિતરણ કરવામાં આવેલા ગેસના બોટલો મેઉ ગ્રામ પંચાયતમાં પરત મંગાવ્યા હતા. જ્યારે એજન્સીના વાહનમાં રહેલા બોટલો એકઠા કરી ગ્રામજનોની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૩ બોટલોમાં ૧ કિલોથી ૨.૭૦૦ કિલોગ્રામ નિયત જથ્થા કરતાં ઓછો ગેસ હોવાનું ખુલ્યું હતું. તોલમાપ વિભાગે ૨૪ એલપીજી ગેસની બોટલો કબજે કરી હતી. જ્યારે ગેસ એજન્સી સામે કાર્યવાહી શરૃ કરી હતી.