For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહેસાણા : હૈદરી ચોક રોડ પર વિના વરસાદે ઊંડો ભૂવો પડતાં અફડાતફડી

- પાલિકાની પોલ ખોલતાં રોડ પર ભૂવા પડવાનો સિલસિલો જારી

- પાલિકાની ટીમ જેસીબી, ટ્રેક્ટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈઃ ગટર ડેમેજ થતાં ગંદવાડથી લોકો ત્રાહિમામ્

Updated: Jul 28th, 2022

Article Content Imageમહેસાણા, તા.28

મહેસાણા શહેરના રસ્તાઓ પર મસમોટા ગાબડાં-ખાડાઓ પડવાનો સિલસિલો આજે જારી રહ્યો હતો. આજે  ગુરુવારે રાહદારીઓ તથા હળવા ભારે વાહનોની અવરજવરથી ધમધમતા હૈદરી ચોક રોડ પર વિના વરસાદે ટ્રક આખી ઊંડી ઉતરી  જાય તેવો તોતિંગ ભૂવો પડતાં લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. જેની જાણ થતાં નગરપાલિકાના ઈજનેર સહિતનો કાફલો ઘટનાસ્થળે મારતી ગાડીએ દોડી ગયો હતો અને પાલિકાની આબરૃનો ધજાગરો કરતાં ભૂવાની મરામત કરવા ધંધે લાગ્યો હતો. પાલિકાની ટીમે જેસીબી, ટ્રેક્ટર મારફતે કામગીરી હાથ ધરી હતી.

મહેસાણા શહેરમાં ખાબકેલાં ધોધમાર વરસાદે  અધ..ધ..રૃ.૧૪૭ કરોડના ખર્ચે તૈયાર થયેલાં અને ગત સપ્તાહે મુખ્યમંત્રીના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરાયેલાં અન્ડરપાસને સ્વીમીંગ પુલ બનાવી દીધો હતો. તો વળી, મોઢેરા ચોકડીથી રાધનપુર રોડ વચ્ચે મસમોટો ભૂવો પડયો હતો. તેવી જ રીતે, વિસનગર રોડ, પાલાવાસણા ચોકડીથી હિંમતનગર રોડ પર અનેક ઠેકાણે ભૂવા પડયા છે, ઊંડા ગાબડાં પડતાં વાહનચાલકો માટે રસ્તા જોખમી બન્યા છે. દરમિયાનમાં આજે બુધવારે બપોરના સુમારે રાહદારીઓ, વાહનસવારો અને હળવા ભારે વાહનોના ધમધમાટ વચ્ચે હૈદરી ચોક રોડ પર આખી ટ્રક ઊંડી ઉતરી જાય તેવો મસમોટો ભૂવો પડયો હતો.

જેના લીધે રોડ પરથી પસાર થતાં લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતુ. હૈદરી ચોક રાત-દિવસ લોકોની અવરજવરથી ધમધમતો વિસ્તાર છે. રોડ પર ભૂવો પડવાની બીનાની જાણ થતાં લોકોના ટોળાં ઉમટયાં હતા અને પાલિકાની આબરૃનો ધજાગરો કરતા તમાશાનું લોકોને મફતનું જોણું થયું હતુ. અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ હૈદરીચોક રોડ પર ભૂવો પડતાં નજીકમાં આવેલ ગટરને નુકસાન થયું હતુ અને તેથી ગંદવાડનું સરોવર સર્જાતાં તેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતી હોવાની લોકોમાંથી ફરિયાદ જાગી હતી.

મહેસાણાના ભરબજાર જેવા હૈદરીચોક રોડ પર અંદાજે ૮ બાય ૮ ની લંબાઈ અને પહોળાઈના અને આશરે પાંચેક ફુટ ઊંડો ભૂવો પડવા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ હૈદરી ચોક વિસ્તારમાં આશરે ૩૫ વર્ષ જૂની ગટરલાઈનનું મેનહોલ લાંબા અરસાથી લીકેજ હોઈ તેનું પાણી નીકળવા લાગતાં અને બાજુમાંથી કેબલ પસાર થતો હોઈ આજે બપોરે ભૂવો પડયો હતો અને જેમ બાજરાના રોટલાનો પોપડો ઉખડી જાય તેમ ડામર રોડ ખડી પડયો હતો. જેની જાણ થતાં પાલિકાની ટીમ બનાવના સ્થળ પહોંચી ગઈ હતી અને રોડને કોર્ડન કરી લોકોની આવનજાવન માટે બંધ કરી દીધો હતો. ગટરના મેનહોલની મરામત કરવામાં આવી હતી તેમજ ગાબડામાં કોંક્રીટથી પુરાણ કરવામાં આવ્યું છે. જેથી આવતીકાલથી આ રોડને વાહનોની અવરજવર માટે ખુલ્લો કરી દેવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સદનસીબે  ગાબડું પડવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી.

Gujarat