વિધાનસભા, નવા સચિવાલયના કર્મચારી તથા સેક્ટર-૧૪નું દંપતિ કોરોના પોઝિટિવ
ગાંધીનગર, તા. 11 જુલાઈ 2020, શનિવાર
પાટનગરમાંથી આજે નવા ૧૧ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. નવા સચિવાલયમાં આવેલા સિંચાઇ વિભાગમાં ફરજ નિભાવતા અને સે-૭માં રહેતા ૪૨ વર્ષિય કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં ફાયર સર્વિસ સાથે સંકળાયેલો અને સે-૮માં રહેતો ૨૬ વર્ષિય યુવાન પણ કોરોનામાં સપડાયો છે. જ્યારે સે-૧૪માં રહેતું વૃદ્ધ દંપતિ કોરોનાનો ભોગ બન્યું છે. ૭૦ વર્ષિય પતિ અને ૬૮ વર્ષિય પત્નિનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. સે-૨૧માં રહેતા અને ઇંટોનો ધંધો કરતાં આધેડનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પતિ પોઝિટિવ આવ્યા બાદ સે-૨૨માં રહેતા ૪૩ વર્ષિય પત્નિ પણ સંક્રમિત થઇ છે. કલ્પતરૃ કંપનીમાં નોકરી કરતાં સે-૨૪ના ૫૬ વર્ષિય કર્મચારી કોરોનામાં સપડાયાં છે. સે-૨૫ સુર્યનારાયણ સોસા.માં રહેતો અને ફોટોગ્રાફી કરતો ૪૬ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પતિ પોઝિટિવ આવ્યા બાદ સે-૨૬માં રહેતી ૩૭ વર્ષિય પત્નિ ચેપગ્રસ્ત થઇ છે. જીઇબી અને બોરીજમાંથી પણ એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યાં છે.