Get The App

ઉનાવામાં 'જમાદાર'ના જુગારધામ ઉપર એલસીબીનો દરોડો : 8 ઝડપાયા

- પેથાપુર પોલીસ મથકના ડી-સ્ટાફના કોન્સ્ટેબલની મદદથી ચાલતાં

- જુગાર રમાડનારા ઘનશ્યામસિંહ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા, ૬૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
ઉનાવામાં 'જમાદાર'ના જુગારધામ ઉપર  એલસીબીનો દરોડો : 8 ઝડપાયા 1 - image


ગાંધીનગર, તા. 18 જુલાઇ 2020, શનિવાર

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ પહેલા જ જુગારીઓમાં ધમધમાટ જોવા મળી રહયો છે અને ઠેકઠેકાણે જુગારધામો શરૂ થયા છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે બાતમીના આધારે ઉનાવા ગામની સીમમાં બંધ ઓરડીમાં ચાલતાં જુગારધામ ઉપર દરોડો પાડીને આઠ જુગારીઓને ઝડપી પાડયા હતા. આ જુગારધામ પેથાપુર પોલીસ મથકના કોન્સ્ટેબલની મદદથી હેડકવાર્ટસમાં ફરજ બજાવતાં જમાદાર ઘનશ્યામસિંહ ચલાવતો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે જુગારધામ ચલાવનાર ત્રણેય વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે તો આ જુગારના સ્થળેથી ૬૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.       

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારધામો વધુ ધમધમતાં હોય છે પરંતુ હાલ શ્રાવણ પહેલા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે. કયાંક પોલીસની મદદથી તો કયાંક પોલીસની જાણ બહાર બોર્ડ બેસી ચુકે છે. જેના પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આવા જુગારધામો ઉપર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી-ર ની ટીમ મથામણમાં હતી તે દરમ્યાન પીઆઈ એચ.પી.ઝાલાની ટીમને બાતમી મળી હતી કે ઉનાવા ગામની સીમમાં બંધ ઓરડીમાં જુગાર રમાઈ રહયો છે અને આ જુગારધામ પોલીસ જવાનો જ ચલાવી રહયા છે. જેના પગલે એલસીબી દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી અહીં વોચ ગોઠવવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે બાતમીના આધારે દરોડો પાડતાં આ ઓરડીમાંથી જુગાર રમતાં આઠ જુગારીઓ ઝડપાયા હતા. જેમાં કમલેશકુમાર ચીનુભાઈ પટેલ રહે.મુબારકપુર, કાર્તિક હરીરામ મહેશ્વરી રહે.નવાવાડજ, બાબુભાઈ સહારભાઈ રબારી રહે.પેથાપુર, કિશોર દેવીલાલ પઢીયાર રહે.ચાંદલોડીયા, હિમાજી હીરાજી સોલંકી રહે.શાંતમ બંગલોઝ પાસે, પેથાપુર, ડો.અશ્વિનભાઈ મુળજીભાઈ વસાણી રહે.એચ-૧૦૧, સિલ્વર ગાર્ડનીયા એસજી હાઈવે, જગદીશકુમાર રણછોડભાઈ પટેલ રહે.પટેલવાસ વાવોલ, સલીમ રસુલભાઈ મનસુરી રહે.પ્લોટ નં.૪૫૭/૧, સે-ર૯ને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૩૩૨૦૦ની રોકડ, નવ મોબાઈલ ફોન, પાના પત્તા, કોઈન મળી ૬૨૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જે સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં જુગારધારાની હેઠળ એપેડેમીક ડીસીઝ એકટનો ગુનો પણ નોંધાયો છે અને ગુનાની વધુ તપાસ ગાંધીનગર એલસીબી-ર દ્વારા કરવામાં આવી છે. આ જુગારધામ અમદાવાદ સોલા ખાતે રહેતા શંભુભાઈ રબારી તેમજ પેથાપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ અને પોલીસ હેડકવાર્ટસમાં ફરજ બજાવતાં ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર પ્રતાપસિંહ વાઘેલા ચલાવતાં હોવાનું બહાર આવ્યું છે. જો કે હાલ તો એલસીબીએ તેમને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે. 

રૂપિયાના બદલે કોઈન આપી પેથાપુરથી કારમાં જુગારીઓ ઉનાવા લઈ જવાતાં

ગાંધીનગર એલસીબી-ર ની ટીમે ગઈકાલે રાત્રે પોલીસ જવાનોની મીલીભગતથી ચાલતાં ઉનાવાના જુગારધામ ઉપર દરોડો પાડયો છે ત્યારે બે પોલીસ જવાનો સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. જો કે પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિઓને આ જુગારધામની ગંધ ના આવી જાય તે માટે જુગારીઓને પેથાપુર ચાર રસ્તા પાસે બોલાવવામાં આવતા હતા. જયાં તેમના વાહનો મુકાવી રૂપિયાના બદલે કોઈન આપવામાં આવતા હતા. કોઈન લીધા બાદ આ જુગારીઓને એક કારમાં ઉનાવા જુગારધામ સુધી લઈ જવામાં આવતાં હતા.

એલસીબીના દરોડા બાદ પેથાપુર પોલીસે પણ ઉનાવામાંથી ચાર જુગારીઓ પકડયા

ગાંધીનગર જિલ્લામાં જુગારની બદી ફુલીફાલી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે ઉનાવા ગામમાં દરોડો પાડીને મસમોટુ જુગારધામ ઝડપી પાડયું હતું ત્યારે પેથાપુર પોલીસે પણ ઉંઘ ઉડાડીને ઉનાવા ગામમાં દરોડો પાડીને ધોબીઘાટ પાસે તળાવ કિનારે જુગાર રમતાં મુકેશભાઈ નારણભાઈ પટેલ, કાંતિભાઈ જીવાભાઈ રાવળ, કાળાજી જીવણભાઈ રાવળ અને ગોવિંદભાઈ ડાહયાભાઈ રાઠોડ તમામ રહે.ઉનાવાને જુગાર રમતાં ઝડપી પાડી તેમની પાસેથી રર૭૦ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Tags :