ઉત્તર ગુજરાતમાં 52859 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું
- સૌથી વધુ કપાસ અને ઘાસચારાનું વાવેતર થયું
મહેસાણા,તા.17 જૂન 2020, બુધવાર
ઉત્તર ગુજરાતમાં ખરીફ વાવેતરનો પ્રારંભ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ સૌથી વધુ કપાસનુ વાવેતર કર્યું છે. છેલ્લા પખવાડીયાથી જગતના તાત દ્વારા ૫૨૫૮૯ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસાના આગમન સાથે જ ખેડૂતોએ વાવેતર શરૃ કરી દીધું છે.
જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ થયો હતો. ઉપરાંત ચોમાસાનુ પણ આગમન થયું છે. ત્યારે જગતના તાત દ્વારા વરસાદ સાથે જ ખરીફ પાકો બાજરી, મગફળી, કપાસ, કઠોળ સહિત વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાના ભારે નુકશાન બાદ ખેડૂતોએ સારા પાકની આંશ સાથે વાવેતરનો પ્રારંભ કર્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ૧૫૧૨૨, બનાસકાંઠા ૧૫૮૧૦, પાટણ ૧૦૨૩૨, સાબરકાંઠા ૭૯૩૬ અને અરવલ્લીમાં ૩૪૮૯ હેક્ટરમાં વાવેતર પખવાડીયા દરમિયાન કરવામાં આવ્યું છે.
આ પાંચેય જિલ્લામાં વાવેતરની વાત કરીએ તો સૌથી વધુ પિયત કપાસનું ૩૧૪૩૨ હેક્ટરમાં તો શાકભાજીનુ ૯૮૮૨ હેક્ટર, મગફળીનું ૮૫૯૨ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે. જોકે જેમ જેમ વરસાદનું આગમન થશે તેમ તેમ વાવેતરમાં પણ આગામી દિવસોમાં વધારો થશે.