સોશ્યલ ડિસ્ટસીંગ નહીં જળવાતાં કલોલની 6 દુકાન સીલ
ગાંધીનગર, તા. 20 જૂન 2020, શનિવાર
કલોલમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાના વધતા જતાં કેસોને લઇને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ગઇકાલે કલેક્ટર અને હેલ્થ કમિશ્નર દ્વારા આ બાબતે મીટીંગ યોજીને સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં માસ્ક વગર ફરતા અને જાહેરમાં થૂંકનાર ૧૦૧૯ વ્યક્તિઓ પાસેથી રૃપિયા ૨,૧૮,૯૦૦નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ વેપારીઓની દુકાનો ઉપર પણ સોશ્યલ ડિસ્ટસીંગ નહી જળવાતું હોવાથી તંત્ર દ્વારા હવે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટસીંગ નહીં જાળવતા છ વેપારીઓની દુકાનને સાત દિવસ માટે સીલ મારી દેવામાં આવ્યું છે. જેમાં તવક્કલ પ્રોવિઝન સ્ટોર મટવાકુવા તથા બજાર વિસ્તારમાં રીચ ફેશન, અંબુજા કિરાણા સ્ટોર, આનંદ ફૂટવેર, પેરેડાઇઝ ટી સ્ટોલ, ફાઇન ફુટવેરનો સમાવેશ થાય છે. ત્યારે કોરોનાના વધતા જતાં કેસોને લઇને આગામી સમયમાં તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.