કલોલ પોલીસના 3 સ્થળે દરોડામાં વિદેશી દારૂની 65 બોટલ પકડાઇ
- સાંતેજ પોલીસે પણ વિદેશીદારૂની ૬૮ નંગ બોટલ ભરેલી કાર પકડી : આરોપી ફરાર
કલોલ, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
કલોલ શહેર પોલીસે ગઇકાલે ત્રણ સ્થળોએ દરોડા કરી વિદેશીદારૂની ૬૫ બોટલ પકડી પાડી હતી. જ્યારે સાંતેજ પોલીસે પણ વિદેશીદારૂની ૬૮ બોટલ ભરેલી કાર પકડી પાડી હતી. જો કે બુટલેગર ભાગી છુટયો હતો.
કલોલ શહેર પોલીસે ગઇકાલે રાત્રે સિદ્ધરાજ હોમ ફલેટની સામે આવેલી વસાહતમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં ગોવિંદ ઉર્ફે ધર્મેશ મોહનભાઇ ડાફડાના ઘરની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની પપ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧૬,૬૮૫ની કિંમતનો વિદેશીદારૂ કબ્જે લઇ આરોપી ગોવિંદની ધરપકડ કરી આ વિદેશીદારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે બીજા એક દરોડામાં શાંતિવન સ્મશાન ગૃહ પાસે મોપેડ ચાલક વિદેશીદારૂની ડિલિવરી આપવા આવવાનો હોવાની બાતમીને આધારે શહેર પોલીસે વોચ ગોઠવી વિશાલસિંહ રતનસિંહ ઝાલા રહે.નાગદેવ નગરને પકડી પાડયો હતો. પોલીસે તેની પાસેથી વિદેશીદારૂની આઠ નંગ બોટલ અને મોપેડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૮,૯૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વિદેશીદારૂનો આ જથ્થો તે બોરીસણાના સુરભી રો હાઉસમાં રહેતા વિશાલ રમેશગીરી ગોસ્વામી પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ શહેર પોલીસે આંબેડકર ત્રણ રસ્તા પાસેથી પણ દાવલ આત્મારામ પાટીલ રહે.પ્રકાશ પુંજ ફલેટ કલોલને વિદેશીદારૂના બે કવાટર સાથે ઝડપી લીધો હતો. દારૂના કવાટર અને મોપેડ મળી પોલીસે ૩૦,૪૬૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. ત્યારે સાંતેજ પોલીસે પણ સાંતેજ વિસ્તારમાંથી વિદેશીદારૂ ભરેલી મારૂતિકાર પસાર થવાની બાતમીને આધારે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. જો કે કારચાલકે કાર પૂરઝડપે હંકારી મૂકી હતી.
જેથી પોલીસે તેનો પીછો કરતા આરોપી કાર સાંતેજ જીઆઇડીસીમાં મૂકી અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૬૮ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૩૪,૦૦૦નો વિદેશીદારૂ અને કાર મળી કુલ રૂપિયા ૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇ ફરાર આરોપીની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.