Updated: Aug 27th, 2022
કડી, તા.27 ઓગષ્ટ 2022, શનિવાર
સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઈ રહ્યા છે. ત્યાં જો કોઈ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઈ લે છે.
ગુજરાતના કડી શહેરમાં ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરમાં ગાયોના હુમલા સતત વધી રહ્યા છે. શહેરમાં ગાયો જ્યાં ત્યાં રસ્તાઓ ઉપર અડીંગો જમાવીને બેસી રહે છે અને રસ્તા પર આવતા જતા વાહનોને શિંગડા મારીને રોડ પર પછાડી દે છે અને ઈજા પહોંચાડે છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વધુ વાંચો: કડીમાં તિરંગા યાત્રા દરમિયાન નીતિન પટેલને ગાયે ધક્કે ચડાવ્યા
ત્યારે હવે શહેરમાં સર્વ વિદ્યાલય સ્કુલની પાછળ આવેલ જય વિનાયક હાઇટેસ પાસે એક યુવાન બાઈક લઈને જતો હતો જેને પાછળથી ગાયે દોડી આવીને શિંગડું મારી યુવકને રોડ ઉપર પછાડ્યો હતો અને શિંગડા તેમજ પગ વડે યુવાનને માર મારીને છૂંદી નાખ્યો હતો. ઘાયલ યુવાન પર હુમલો કરતા આજુબાજુના લોકો ધોકા તેમજ લાકડીઓ લઈને દોડી આવ્યા હતા અને યુવાનને ગાયના હુમલાથી બચાવ્યો હતો. યુવાન ઈજાગ્રસ્ત બનતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. શહેરમાં ગાયના હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને વિસ્તારના લોકો હાલ ગાયોના ભયના ઓઠા નીચે જીવી રહ્યાં છે અને કહી રહ્યા છે કે, ગાયોનું ઝડપથી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે.