કડીમાં તિરંગા યાત્રા દરમિયાન નીતિન પટેલને ગાયે ધક્કે ચડાવ્યા

કડી,તા.13 ઓગષ્ટ 2022,શનિવાર

કડી શહેરમાં ગાયે એક વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યારે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રખડતા ઢોરની ઝપેટમાં ચડી ગયા છે. રાજ્યના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે તેમાં કડી શહેર પણ બાકાત નથી. કડી ખાતે આયોજિત તિરંગા યાત્રા દરમિયાન નીતિન પટેલને ગાયે અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા જિલ્લાના કડીના જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ અડિંગો જમાવીને બેસી રહે છે. આ જાનવરો આવતા જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલક પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા હોય છે. જેનો ભોગ આજે નીતિન પટેલ બન્યા છે. કડીમાં આયોજિત તિરંગા યાત્રામાં નીતિન પટેલ સામેલ થયા હતા. તિરંગા યાત્રા શાક માર્કેટ આગળથી પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક આવી ચડેલ ગાયે નીતિન પટેલ પર હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ નીતિન પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે.

કડીમાં રખડતા ઢોરનો પરચો થોડા દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પણ મળી ચુક્યો છે. શહેરના દેત્રોજ રોડ પરથી પસાર થઇ રહેલ વિદ્યાર્થી પર ગાયે હુમલો કરી દઈ તેને પાડી દીધો હતો. આ બાદ તેને લાતો મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનાનો કડી નગરપાલિકાએ કોઈ સબક લીધો ન હતો જેના પરિણામ સ્વરૂપ રાજ્યના એક મોટા નેતાને દવાખાના ભેગું થવું પડ્યું છે. કડી નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરે પુરે તેવી સ્થાનિકોએ  માંગ કરી છે.


City News

Sports

RECENT NEWS