કડી-3, વિજાપુર-3, મહેસાણા અને વિસનગરમાં 1-1 કોરોના કેસ
- મહેસાણા જિલ્લામાં 9 મૃત્યુઃ 79 ડિસ્ચાર્જઃ 37 કેસ એક્ટીવ
- આરોગ્યતંત્રની લાપરવાહી, પોઝીટીવ દર્દીઓના ક્લોઝ સંપર્કમાં આવેલાના મકાન પર માત્ર સ્ટીકર ચોંટાડાય છે
મહેસાણા,તા.04 જૂન 2020, ગુરૂવાર
અનલોક-૦૧માં મળેલી છૂટછાટ બાદ મહેસાણા જિલ્લામાં રોજેરોજ ચિંતાજનક રીતે કોરોના પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુરૃવારે કડીમાં ૩, વિજાપુરમાં ૩ અને મહેસાણા શહેર અને વિસનગરમાં ૧-૧ મળી કુલ ૮ નવા કેસો ઉમેરાયા છે. જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૨૬ થયો છે.
મહેસાણા જિલ્લામાં ૧૬૫૫ વ્યક્તિના લેવાયેલા સેમ્પલમાંથી ૧૪૬૫ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં ૩૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સાજા થયેલા ૭૯ દર્દીઓને રજા મળી ચુકી છે. મહેસાણા જિલ્લામાં વધુ ૮ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં હોટસ્પોટ બનેલા કડીમાં મનોજ લોધી, ઈસ્માઈલ ફકીર, જસ્મીન પટેલ, વિજાપુરમાં સુરેશ રવાજી ઠાકોર, પરેશ મણીલાલ નાયી, વિપુલ સુરેશભાઈ સેનમા, જ્યારે મહેસાણા શહેરમાં હિતેશ પ્રહલાદભાઈ સોલંકી, વિસનગરમાં નર્મદાબેન સોનીનો સમાવેશ થાય છે. અનલોક-૦૧માં મળેલી વ્યાપક છૂટછાટ બાદ મહેસાણા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વિજાપુરની બરફની ફેક્ટરીમાં કામ કરનાર સુરેશ ઠાકોર તેમજ ફ્રુટનુ છૂટક વેચામ કરતા વ્હોરાવસણના પરેશ નાયીના ક્લોઝ સંપર્કમાં અનેક લોકો આવ્યા હોવાની આશંકા છે. વિસનગરના નર્મદાબેન થરા સામાજીક કામે ગયા હતા. ત્યારબાદ તાવ આવતા તેમના સેમ્પલલેવાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જેના પગલે મામલતદાર બી.જી.પરમારના આદેશ મુજબ આરોગ્યની ટીમ આરાધના સોસાયટીમાં પહોંચી વિસ્તારને કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. આરોગ્ય અને નગરપાલિકાની ટીમો દ્વારા તેમના રહેણાંકના વિસ્તારને કોરોન્ટાઈન કર્યા છે. જોકે પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના મકાનો ઉપર માત્ર સ્ટીકરો મારીને તંત્રએ સંતોષ માન્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. કેમકે આરોગ્ય તંત્ર દ્વારાપોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા મોટાભાગના લોકો બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. જેના લીધે ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા જણાય છે.
પોઝીટીવ કેસોની યાદી
૧. સુરેશજી રવાજી ઠાકોર (ઉ.વ.૩૫), રહે.વિજાપુર
૨. પરેશભાઈ મણીલાલ નાયી (ઉ.વ.૩૪) રહે.વિજાપુર
૩. વિપુલભાઈ વાલ્મિકી (ઉ.વ.૩૩), રહે.પામોલ, વિજાપુર
૪. મનોજકુમાર લોધી (ઉ.વ.૩૮), રહે.કડી
૫. ઈસ્માઈલભાઈ ફકીર (ઉ.વ.૫૩), રહે.જાસલપુર, કડી
૬. જસ્મીનભાઈ પટેલ (ઉ.વ.૪૦), રહે.કડી
૭. હિતેશકુમાર પ્રહલાદભાઈ સોલંકી, રહે.મહેસાણા
૮. નર્મદાબેન પ્રવિણચંદ્ર સોની (ઉ.વ.૫૦), રહે.વિસનગર