ઊંઝામાં કાનપુર જીએસટીની ટીમે રેડ પાડી બે ગોડાઉન સીલ કર્યા

ઊંઝા,
તા.17
ઊંઝા તાલુકાના ટુંડાવની સીમમાં આવેલી તમાકુની બે ફેકટરીઓમાં
સેન્ટ્રલ જીએસટી યુપીના કાનપુરની ટીમોએ રેડ કરતા વાંધાજનક સાહિત્ય કબજે લઇ બે
ગોડાઉનો સીલ કર્યો છે. રેડ દરમિયાન વધુ તપાસનો ધમધમાટ આગળ વધારતાં તમાકુના
વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ રેડમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ
સેવાઈ રહી છે.
ઊંઝાની આસપાસ તમાકુની ઘણી બધી ફેકટરીઓમાં કાચો માલ તૈયાર
થાય છે. અને ઉત્તર પ્રદેશના તમાકુના એવા સેન્ટર
કાનપુરની આસપાસ વેપાર થાય છે. કાનપુરના વેપારીઓની પણ ફેકટરીઓ ટુંડાવની
સીમમાં અમુઢ તથા સિટી રોડ ઉપર આવેલી છે. ગુટખા બનાવતી કંપનીઓને તમાકુ પુરી પાડનાર
કાનપુરના વેપારીઓની કાનપુર ખાતે સેન્ટ્રલ જીએસટીની રેડ દરમિયાન તપાસનો રેલો ઊંઝા ટુંડાવમાં આવી
પહોચતાં સીજીએસટીની ટીમો ટુંડાવ ખાતે બંસીધર ટોબેકો ફેકટરી તથા સિટી રોડ આવેલી
ફેકટરીઓ રેડ કરી હતી. વહેલી સવારે રેડ કરી રાત-દિવસ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.
ફેકટરીમાં કામ કરતા મજુરો તથા સ્ટાફને પણ ફેકટરીમાં રાખવામાં આવ્યા હતા.
સીજીએસટીના મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન બંસીધર ફેકટરીમાં લગભગ બે જેટલા ગોડાઉનો સીલ
કરવામાં આવ્યા છે. સાથે સાથે વાંધાજનક શંકાસ્પદ સાહિત્ય પણ કબજે લઇ એન્ટ્રલ
જીએસટીની ટીમ આજે કાનપુર રવાના થઈ છે.
દરોડાથી ફેક્ટરી માલિકો કાનપુરથી હવાઈ માર્ગે ઊંઝા દોડી
આવ્યા
ટુંડાવની સીમમાં આવેલી ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુરના
માલિકોની ફેકટરીઓ આવેલી છે. આથી કાનપુર જીએસટીએ રેડ કરી હતી. જેની જાણ થતાં ફેકટરીઓના માલિક વિમાન માર્ગે તાત્કાલિક ઊંઝાના
ટુંડાવ ખાતે દોડી આવ્યા હતા.




