મહેસાણાની કેટલીક ખાનગી શાળાઓમાં વાલીઓ પાસે ફીની ઉઘરાણી શરૂ કરી
- લોકડાઉનના કારણે ધંધા-રોજગાર છીનવાઈ જતા વાલીઓ લાચાર
મહેસાણા, તા. 25 મે 2020, સોમવાર
કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા ૨૨ માર્ચથી લોકડાઉન અમલ કરાયો હતો. જોકે આ લોકડાઉનથી ધંધા, રોજગારને ભારે નુકસાન થયું છે અને લોકો આર્થિક ભીંસમાં પણ મુકાયા છે. મહેસાણામાં પણ ધંધા, રોજગાર છીનવાઈ જતા કેટલાય પરિવારો મુસીબતમાં મુકાયા છે. જોકે લોકો વધુ મુસીબતમાં ન મુકાય તેથી સરકારે લોકડાઉનમાં જ છૂટછાટ આપી છે ત્યારે કેટલાય પરિવારોને નવી મુસીબત સતાવી રહી છે અને એ છે ખાનગી શાળાઓમાં ફી ભરવાની. કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને રીઝલ્ટ માટે બોલાવી ફી માગી રહ્યા છે. જેને લઈ વાલીઓ લાચાર બની રહ્યા છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં કેટલાય એવા પરિવારો છે જે પોતાના બાળકને સારામાં સારી ખાનગી શાળામાં ભણાવી વ્યવસ્થિત શિક્ષણ અપાવી શકે. તે હેતુસર ખાનગી શાળાઓમાં પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હતું. જોકે કોરોનાના સંક્રમણને લઈ સરકારે આવી કોલેજો, ધંધા, રોજગાર બંધ કરાવી લોકડાઉન અમલમાં મુક્યું હતું. જોકે આ લોકડાઉનથી દરેક પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મહેસાણા ખાતે ચોથા લોકડાઉનની શરૃઆત ૧૮ મેથી થઈ ચુકી છે. જોકે લોકોની ધંધા, રોજગારની ગાડી પાટા પર લાવવા સરકારે છૂટછાટ આપી છે. બે માસ સુધી લોકો ઘરમાં રહેતા અને કોઈ આવક ન હોવાથી લોકો ભારે તકલીફમાં મુકાયા છે. જે જગજાહેર છે ત્યારે થોડી છૂટછાટ મળતા અને સરકારની સુચના હોવા છતાં મહેસાણાની કેટલીક ખાનગી શાળાો વિદ્યાર્થીઓના રીઝલ્ટ આપવાના છે તેમ કહી વાલીઓને શાળાઓમાં બોલાવી ફી ની ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે વાલીઓ ફી ન ભરી શકતા લાચારી અનુભવી રહ્યા છે.
વાલીઓને બાળકોના ભવિષ્યની તો બીજી તરફ ઘર ચલાવવાની ચિંતા
મહેસાણામાં કેટલીક ખાનગી શાળાઓ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહી હોવાની સુત્રોમાંથી અહેવાલ મળી રહ્યા છે ત્યારે લોકડાઉનમાં કેટલાય વાલીઓના ધંધા, રોજગાર છીનવાઈ જતા આર્થિક ભીંસમાં મુકાયા છે ત્યારે એક તરફ પોતાના પાલ્યના ભવિષ્યની બીજી તરફ ઘર ચલાવવાની ચિંતા સતાવી રહી છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે.