ગાંધીનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ચોકડીમાં બેક મારી રહ્યાં છે. જેના પગલે દુર્ગંધ યુક્ત પાણીના કારણે સ્થાનિક રહિશોની હાલત કફોડી બની જવા પામી છે. અગાઉ આ પ્રકારની સમસ્યા સર્જાવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ આવે તે પ્રકારની કામગીરી નહીં કરાતાં અવાર નવાર આ પ્રશ્નોનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે.
સેક્ટર-૪/એના સ્થાનિક વસાહતી વિસ્તારમાંથી પસાર થતી ગટરની લાઇન અવાર નવાર સાફ સફાઇ નહીં કરાતાં ભરાઇ જવા પામી છે. જેના પગલે વારંવાર ગટર ઉભરાઇ જવાના કારણે વસાહતીઓના ઘરમાં પ્રદુષિત પાણી બેક મારી રહ્યું છે. આમ દુર્ગંધ યુક્ત પાણી ભરાવાના કારણે અવર જવરમાં પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. ગટર લાઇનના બેક મારતાં પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. જે અંગે સ્થાનિક નગરસેવક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી કે, સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાની સંભાવના સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ગટરલાઇનોની સાફ સફાઇ કરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.


