મહેસાણા તા.17 જૂન 2020, બુધવાર
મહેસાણા જિલ્લામાં લોકલ સંક્રમણ વધતાં પાછલા ૨૪ કલાકના સયમગાળામાં વૃધ્ધ દંપતિ સહિત ૪ના રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. કુલ ૧૮૯ પોઝિટીવ દર્દીઓમાંથી ૧૨૫ વ્યક્તિ સારવાર બાદ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હજુ બાવન દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બુધવારે આવેલા ૭૬ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં કડી પંથક કોરોના પોઝિટીવ દર્દીઓ માટે હોસ્પોર્ટ બની ચુક્યો છે. પાછલા ૨૪ કલાકના સમયગાળામાં વધુ બે કેસ કડીમાં ઉમેરાયા છે. જેમાં ગોવિંદપુરામાં રહેતા નવીનભાઈ પટેલ અને કલોલ દરવાજા વિસ્તારના કાદરભાઇ લોચાવાળાનો સમાવેશ થાય છે. આ બંને દર્દીઓ હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ઉપરાંત મહેસાણાની વિનયનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ શાહ અને સુરેખાબેન શાહને કોરોનાના લક્ષણો જણાતા તેઓના અમદાવાદની ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેઓનો બુધવારે પોઝિટીવ આવતાં તેઓને અમદાવાદની સીટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે જિલ્લામાં આજદિન સુધી ૨૭૮૫ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૨૫૭૧ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૬૭ના રીપોર્ટ પેન્ડીંગ છે. કુલ ૧૮૯ કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી ૧૨૫ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટીવ દર્દી
નવીનભાઇ પટેલ ઉ.વ.૫૦ રહે.ગોવિંદપુરા, કડી
કાદરભાઇ લોચાવાળા ઉ.વ.૮૫ રહે.કલોલ દરવાજા, કડી
સુરેખાબેન શાહ ઉ.વ.૬૫ રહે.વિનયનગર સોસાયટી, મહેસાણા
હસમુખભાઇ શાહ ઉ.વ.૭૦ રહે.વિનયનગર સોસાયટી, મહેસાણા


