આંબલિયાસણમાં તોલમાપ વિભાગે બે વેપારીઓને 94 હજારનો દંડ ફટકાર્યો
- અધિકારીઓ ગ્રાહક બની દુકાને પહોંચ્યા
- લોકડાઉન દરમિયાન બે મહિનાના સ્ટોકનુ ચેકીંગ હાથ ધરવામાં આવે તો કાળાબજારની વિગત ખુલી શકે
આંબલિયાસણ,તા.30 મે 2020, શનિવાર
મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનના તમાકુ અને ગુટખાના વેપારી દ્વારા થઈ રહેલા કાળાબજારનીબૂમાબૂમ વચ્ચે શનિવારના રોજ તોલમાપ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં તમાકુ અને ગુટખાના વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ચેકીંગમાં બે વેપારીઓ દંડાયા હતા. પરંતુ માહિતી પહોંચી જતા તમાકુ-ગુટખાના વેપારીઓ વધુ ભાવ લેવાના દંડથી બચી જવા પામ્યા હતા.
આ અંગે મળતી વિગત અનુસાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અગ્રગણ્ય વેપારી મથક એવા આંબલિયાસણ સ્ટેશન બજારમાં લોકડાઉન દરમિયાન તમાકુ અને ગુટખાના ધૂમ કાળાબજાર થયા છે અને મોટાભાગનો માલ ખાલી ગયો છે. ત્યારે લોકડાઉનમાં અપાયેલ છૂટછાટના ૧૦ દિવસ બાદ પણ આંબલિયાસણ સ્ટેશન સહિત જિલ્લાના અનેક વેપારી મથકોમાં મોટા હોલસેલરો તેમજ એજન્ટ દ્વારા કૃત્રિમ તંગી ઉભી કરીને થઈ રહેલા કાળા બજારની ભારે બૂમાબૂમ થઈ રહી છે અને તોલમાપ ખાતાના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે શનિવારના રોજ તોલમાપ ખાતાના અધિકારી એન.એમ.રાઠોડની આગેવાની હેઠળ પી.જે.ચૌધરી, વી.એ.ચૌધરી, જૈમિન ગજ્જર, મિતુલ પ્રજાપતિ, એસ.વી.પટેલ સહિતના સ્ટાફ દ્વારા તમાકુ-ગુટખાના વેપારીને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરતા કેટલાય વેપારીઓના દુકાનના શટર બંધ થઈ જવા પામ્યા હતા. તેમજ બજારના વેપારીઓ પાસે માહિતી પહોંચી જતા એમઆરપીથી વધારે ભાવ લેવાનું બંધ કર્યા હતા. જેના પરિણામે અનેક વેપારીઓ દંડથી બચી જવા પામ્યા હતા અને બે વેપારીઓને ત્યાં પેકીંગની વસ્તુની વિગત તેમજ વજન સહિતની અનેક ત્રુટીઓ જણાતા તંત્ર દ્વારા તપાસના અંતે બે વેપારીનો રૃ.૯૪૦૦૦ દંડ કરાયો હતો. તો બીજી તરફ અધિકારી દ્વારા ગ્રાહકો તેમજ લોકોને ખરીદી કરતા સમયે એમઆરપી કરતા વધારે ભાવ નહિ ચુકવવા માટે પણ અપીલ કરાઈ હતી. તેમજ લોકડાઉન દરમિયાન બે મહિનાના સ્ટોક સહિતનું ચેકીંગ હાથ ધરવામાં આવે તો અનેક કાળાબજારમાં વેચેલા માલની વિગત બહાર આવે તેમ છે.
કયા વેપારીઓ દંડાયા
1. સદગુરૃ કિરાણા રૂ.૨૫૦૦૦
2. લક્ષ્મી ટ્રેડીંગ રૂ.૬૯૦૦૦
વેપારી દુકાન બંધ કરી જતા રહેતા અધિકારીઓને રાહ જોવી પડી
લક્ષ્મી ટ્રેડીંગના નામે તમાકુ-ગુટખાનો વેપાર કરતા હોલસેલ ડીલરના વેપારી દ્વારા તેની દુકાને ચેકીંગ માટે પહોંચેલા તોલમાપના અધિકારી ડમી ગ્રાહક બનીને ઉભા હતા. તે દરમિયાન વેપારીને ખબર પડતાં જ દુકાન બંધ કરીને જતા રહેતા, અધિકારીઓને બે કલાક જેટલી રાહ જોવી પડી હતી. તેમજ આવીને દુકાન ખોલતા તેમાં ચેકીંગ હાથ ધરતા તમાકુ સહિતની પેકીંગની વસ્તુઓ પર વિગત અધુરી જણાતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
તોલમાપના અધિકારીની કડક કાર્યવાહીની ચેતવણી
તોલમાપ અધિકારીઓ દ્વારા જ્યારે વેપારીના દુકાને તપાસ માટે પહોંચ્યા ત્યારે ચલુવાના પ્રધાનજી ઠાકોર અને આંબલિયાસણ ગામના સરપંચ, જોયતારામ ચૌધરી સહિતના અનેક ગામડાના નાના વેપારીઓ દ્વારા મૌખિક રજૂઆત કરાઈ હતી. તેમજ વેપારી દ્વારા લાગવગ લગાવી અધિકારીને ફોન કરી આ બાબતે ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એન.એમ.રાઠોડ દ્વારા કોઈની શરમ રાખ્યા વગર કડક કાર્યવાહીની ચેતવણી અપાઈ હતી. જેના પગલે કાર્યવાહી શક્ય બની હતી.