મહેસાણા પાલિકાનો પૂર્વ કોર્પોરેટર અને તેનો પુત્ર જુગાર કેસમાં વોન્ટેડ
- પંખીયાવાસમાં વરલી મટકાની પ્રવૃત્તિ થતી હતી
- બે આરોપી રૂ.10440ની મત્તા સાથે ઝડપાયાઃ ત્રણ જણા ફરાર
મહેસાણા,તા.25 જુલાઈ 2020, શનિવાર
મહેસાણા શહેરના પંખીયાવાસમાં ચાલતા વરલી મટકાના જુગારધામ ઉપર પોલીસે રેઈડ કરીને રૃ.૧૦૪૪૦ની મત્તા સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને તેના પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ ફરાર થતાં તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે એડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા એડીવીઝનના પીઆઈ ડી.બી.ગોસ્વામી પોતાના સ્ટાફ સાથે શહેરમાં પ્રોહિબીશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા સંદર્ભે પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમી મળી હતી કે શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા પંખીયાવાસમાં નગરપાલિકાનો પૂર્વ કોર્પોરેટર ઐયુબ ઉર્ફે જવાન અશરફભાઈ બહેલીમ અને તેનો દિકરો રિઝવાન માણસો રાખીને જાહેરમાં વરલીમટકાના જુગારની પ્રવૃત્તિ આચરી રહ્યા છે. તેના આધારે પોલીસે આ સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. જેમાં અહીંથી રૃ.૧૦૪૪૦ના મુદ્દામાલ સાથે કાદર સુલતાનશા ફકીર અને ભરત જવાનજી ઠાકોર પકડાઈ ગયા હતા. જ્યારે ઐયુબ સહિત ત્રણ સુત્રધારો મળી આવ્યા ન હતા. જેથી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.
પકડાયેલા આરોપીઓ
કાદર સુલતાનશા ફકીર, રહે.વિસનગર
ભરત જવાનજી ઠાકોર, રહે.શોભાસણ
વોન્ટેડ આરોપીના નામ
ઐયુબ ઉર્ફે જવાન અશરફભાઈ બહેલીમ, રહે.મહેસાણા
રીઝવાન ઐયુબભાઈ બહેલીમ, રહે.મહેસાણા
અસલમ ઉર્ફે પટેલ અહેમદભાઈ બહેલીમ, રહે.મહેસાણા