૧૯ દિવસ બાદ જવાન અને તેની પત્નિ ફરી કોરોનામાં પટકાયાં
- તા. ૩૦ મેથી ૮ જુન સુધી સિવિલમાં સારવાર બાદ રજા અપાઇ હતી
ગાંધીનગર, તા. 20 જૂન 2020, રવિવાર
બદપુરાના જવાન અને તેની પત્નિને કોરોના થતાં અગાઉ તા.૩૦ મેથી તા.૮ જુન સુધી ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ બંને રજા આપવામાં આવી હતી. ૧૯ દિવસ બાદ ગઇકાલે બંનેનો ફરી ટેસ્ટ કરતાં આર્મીના ૩૫ વર્ષિય જવાન અને ૩૦ વર્ષિય તેની પત્નિનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આરોગ્ય સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વેડામાં રહેતા ૬૦ વર્ષિય વૃધ્ધા કે જેને હૃદયની બિમારી હતી. જેને લઇને આ વૃધ્ધા યુએનમહેતા અમદાવાદ સિવિલ કેમ્પસ ગયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યાં છે. માણસાની સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષિય પુરુષ કે જેમને ત્રણ દિવસથી તાવની તકલીફ હતી. આ પુરુષનો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. તેમને અમદાવાદ દાખલ કરવામાં આવ્યાં છે. પાર્વતીનગર સોસા.માં રહેતી ૪૭ વર્ષિય મહિલાને પણ તાવ સહિતની તકલીફ રહેતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો. જે કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ થયાં છે. ઇશ્વરપુરાના ૪૯ વર્ષિય પુરુષ કે જે રાજકારણ સાથે સંબંધ ધરાવે છે. તેઓને પણ શારીરિક તકલીફ થતાં એકસ-રે સહિતના નિદાનો કરાવ્યા હતાં. ગાંધીનગર સિવિલમાં કોરોનાનો રીપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. જ્યારે બદપુરામાં રહેતા અને આર્મીમાં જવાન તરીકે દેશની સેવા કરતાં વોરિયર્સ અગાઉ કોરોનામાં પટકાયા હતાં. તા.૩૦ મેના રોજ ૩૫ વર્ષિય આ જવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને તા.૮ જુનના રોજ રજા આપી દેવામાં આવી હતી પરંતુ હેડ કવોટર્સ શાહીબાગ ખાતે હાજર થતાં પહેલાં તેમને કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. આ જવાનની ૩૦ વર્ષિય પત્નિનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.