ગોઠવા, કમાલપુર, સવાલા અને બામોસણામાં તીડ દેખાતા ખેડૂતોમાં ભય
- વિસનગર પંથકમાં તીડ ત્રાટક્યા
- મામલતદાર સહિત ખેતીવાડી વિભાગની ટીમો દોડતી થઈ
મહેસાણા, વિસનગર, તા. 06 જૂન 2020, શનિવાર
વિસનગર પંથકમાં તીડના ઝુંડ દેખાયા હતા અને ખેતરોમાં ઉભા પાકમાં તીડ દેખા દેતા ખેડૂતોએ તીડને ભગાડવા તજવીજ હાથ ધરી હતી. પંથકમાં ગોઠવા, કમાલપુર, સવાલા અને બામોસણા ગામની સીમમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. તીડની જાણ વિસનગર મામલતદાર તેમજ ખેતીવાડી કચેરીને થતા ટીમો તીડગ્રસ્ત ગામો ખાતે પહોંચી તીડ ભગાડવા દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
શુક્રવાર સાંજે આવેલા વાવાઝોડામાં તીડના ઝુંડ પણ પવનની દિશામાં વિસનગર પંથકમાં ફંટાયા હોવાનું અનુમાન ખેતીવાડી અધિકારીઓ લગાવી રહ્યા છે. વિસનગરના સવાલા ગામે ખેતરોમાં તીડ હોવાની જાણ ખેડૂતો દ્વારા વિસનગર મામલતદાર તેમજ ખેતીવાડી કચેરીને કરવામાં આવી હતી. વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયત અને ખેતીવાડી કચેરીની ટીમોએ સવારથી ખેતરોમાં થાળી તેમજ ઢોલ વગાડી તીડ ભગાડવાની કામગીરી હાથ ધરી હતી. સવાલા બાદ તીડના ઝુંડ ગોઠવા તેમજ કામલપુર અને મહેસાણા નજીક બામોસણાની સીમમાં પણ છુટાછવાયા તીડ દેખાયા હોવાનું જાણવા મળ્યું હતું. તીડના ઝુંડ કેતરોમાં પડતા ઉનાળુ બાજરી તેમજ શાકભાજીને નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
સવારે સવાલામાં તીડ દેખાયા હતા
વાવાઝોડામાં તીડના ઝુંડ વિસનગર પંથકમાં દેખાયા હતા. આ અંગેની જાણ વિસનગર મામલતદાર બી.જી. પરમારને થતા તેઓ તેમની ટીમ સાથે સવાા સીમમાં તીડ પ્રભાવિત ખેતરોમાં પહોંચ્યા હતા. જ્યાં ટીમો તેમજ ખેડૂતો દ્વારા તીડને ભગાડયા હતા અને ત્યાંથી ગોઠવા, કમાલપુર પણ તીડના છુટાછવાયા ઝુંડ જોવા મળ્યા હતા.
ખેડૂતોએ ઢોલ વગાડી તીડ ભગાડયા
મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ભટ્ટે જણાવ્યું હતું કે નાના સમુહમાં શુક્રવારે આવેલા વાવાઝોડાના કારણે વિસનગર પંથકમાં પવન સાથે તીડ આવ્યા હતા. જોકે ખેડૂતોની જાગૃતતાને કારણે અને ખેતીવાડી કચેરી તેમજ વિસનગર વહીવટી તંત્રની ટીમોએ તીડને સવારથી બામોસણા, સવાલા, ગોઠવા, કમાલપુર ખાતે ઢોલ તેમજ થાળી વગાડી ભગાડયા હતા. જોકે ઓછી માત્રામાં તીડ હોવાતી નુકસાનની સંભાવના ઓછી છે.
કોરોના બાદ તીડથી જગતનો તાત પરેશાન
વિસનગર પંથકના કેટલાક ગામોમાં સવારથી તીડના નાના સમુહો જોવા મળ્યા હતા. જોકે કોરોના બાદ તીડનો ત્રાસ પંથકમાં ઉદ્ભવ્યો છે ત્યારે ખેડૂતોને એક પછી એક મુસીબતો ઘેરી વળતા જગતનો તાત ભારે પરેશાનીમાં આવી ગયો છે.