પેથાપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતાં પિતા-પુત્ર ઝડપાયા
- ફોન ઉપર જુગાર રમાડાતો હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર, તા. 4 જુલાઇ 2020, શનિવાર
ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવતી હતી ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે સરઢવવાળા વાસમાંથી ફોન ઉપર વરલી મટકાનો જુગાર રમાડતાં પિતાપુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે પોલીસ દ્વારા આ પ્રવૃતિ ઉપર લગામ લગાવવા બાતમીદારોને સક્રિય કરી દરોડા પાડવામાં આવી રહયા છે. છેલ્લા એક જ અઠવાડીયામાં પોલીસ દ્વારા દસથી વધુ જગ્યાએ દરોડા કરી જુગારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમયાન બાતમી મળી હતી કે પેથાપુરના સરઢવવાળા વાસમાં રહેતાં સુરેશ નાથુભાઈ નાયક અને નાથુભાઈ કરશનભાઈ નાયક ફોન મારફતે વરલી મટકાનો જુગાર રમાડી આંકડાની લેવડદેવડ કરે છે જેના પગલે પોલીસે દરોડો પાડી રોકડ અને ફોન કબ્જે કરી પિતાપુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ કલોલમાં પાનસર ચોકડી પાસે આવેલા ઉંદર વાસમાં રહેતો અબ્દુલ અઝીઝ અબ્દુલ ગફર અન્સારી વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે દરોડો કરી અબ્દુલને પકડી પાડયો હતો.