ઉત્તર ગુજરાતમાં રથયાત્રાઓ ન નીકળતા ભક્તોમાં નિરાશા
- કોરોના ઈફેક્ટ, અષાઢી બીજે ઠેરઠેર નીકળતી રથયાત્રાઓની પરંપરા તૂટી
- પાલનપુર-પાટણ-સિધ્ધપુર-ડીસા-વિસનગર-કડી-વડનગર અને ગોઝારિયામાં શ્રધ્ધાળુઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા
મહેસાણા,
તા. 23 જૂન, 2020, મંગળવાર
ભગવાન જગન્નાથના મહાપર્વ સમા અષાઢી બીજને ચાલુ વર્ષે કોરોના
વાઈરસનું ગ્રહણ લાગ્યું હોય ઉત્તર ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ભગવાન જગતના
નાથની રથયાત્રાઓ બંધ રહી હતી. પાલનપુર, પાટણ, સિધ્ધપુર, ડીસા, વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડી
સહિતના શહેરોમાં અષાઢી બીજની વર્ષો જુની રથયાત્રાની પરંપરાને જાળવી રાખવા માટે
આયોજકો દ્વારા તંત્ર સમક્ષ ભગવાન નગરચર્યા યોજવા માટે મંજૂરી માગવામાં આવી હતી.
પરંતુ કોરોનાના સંક્રમણને કારણે
રથયાત્રાઓને મંજૂરીઓ આપવામાં ન આવતા આખરે ભગવાન જગન્નાથની વર્ષોજુની
રથયત્રાઓની પરંપરા તૂટી હતી. અષાઢી બીજે ભગવાને નગરચર્યાને બદલે મંદિરોમાં ભક્તોને
દર્શન આપ્યા હતા. જ્યારે ભક્તો પણ માસ્ક સાથે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને
ભગવાનની પૂજા, અર્ચના તેમજ દર્શનનો લ્હાવો લીધો હતો. જોકે પરંપરાગત
નીકળતી રથાયત્રાઓ ન નીકળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી હતી.
પાલનપુરના મોટા રામજી મંદિર પરિસરમાં પરીક્રમા યોજાઈ
વર્ષા ઋતુના વધામણાના મહાપર્વ સમી અષાઢી બીજની દેશભરમાં
ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે અને ઉત્તર
ગુજરાતના પાલનપુર, પાટણ, સિધ્ધપુર સહિતના
શહેરોમાં ભગવાન જગન્નાથ વર્ષોથી પરંપરાગત નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપે છે.
ચાલુ વર્ષે વિશ્વભરમાં કોરોના વાઈરસ કહેર વર્તાવી રહ્યો હોઈ કોરોનાના સંક્રમણને
રોકવા માટે હાઈકોર્ટ દ્વારા રથયાત્રા પર રોક લગાવવામાં આવી હોય ઉત્તર ગુજરાતના
પાટણમાં ભગવાન જગન્નાથની ૧૩૮ અને સિધ્ધપુરમાં ૭૭ તેમજ પાલનપુરમાં ૪૬મી રથયાત્રાઓ
બંધ રહી હતી અને ભગવાન જગન્નાથ,
ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ ભક્તોને મંદિરોમાં જ દર્શન આપ્યા હતા. જેમાં
પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે ભક્તિ દ્વારા ભગવાનની વિશેષ પૂજા, અર્ચના કરવાની
સાથે મંદિર પરીસરમાં પરિક્રમા યોજવામાં આવી હતી અને ભક્તોને જાંબુ, કાકડી અને
ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પાટણમાં છેલ્લા ૧૩૮ વર્ષથી ચાલી આવતી
રથયાત્રાને મંદિર પરિસરમાં રથનું પાંચ ફૂટ સુધીનું પ્રસ્થાન અગ્રણી કે.સી. પટેલ
દ્વારા કરાવવામાં આવ્યું હતું અને ભગવાનની મહાઆરતી પૂજા કરવામાં આવી હતી. જ્યારે
સિધ્ધપુરમાં ગામધણી ભગવાન ગોવિંદ માધવ રાયજીની પણ મંદિર પરીસરમાં ભક્તોને દર્શન
આપ્યા હતા. જોકે અષાઢી બીજે ભગવાનની રથયાત્રાઓ બંધ રહેતા ભક્તોમાં નારાજગી છવાઈ
હતી. જ્યારે ડીસામાં કોરોના વાઈરસને લઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રથમવાર
મુલતવી રાખવામાં આવી છે. ડીસામાં આવેલા રામજી મંદિર ખાતે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ
જાળવીને સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન કરતા નજરે પડયા હતા.