મહેસાણા તા.08 જૂન 2020, સોમવાર
મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટીવ આવેલા દર્દીઓ પૈકી અમદાવાદની જુદી જુદી હોસ્પીટલોમાં સારવાર લઇ રહેલા ત્રણ કોરોના પોઝિટીવ દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી મૃત્યું આંક ૧૩ સુધી પહોંચી ગયો છે. કુલ ૧૫૭ કોરોના પોઝિટીવ દર્દીઓમાંથી સારવાર લઇને સાજા થયેલા ૯૯ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સોમવારે બેચરાજી તાલુકાના રણેલા ગામમાં ૧ કોરોના પોઝિટીવ દર્દી સામે આવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ૧૫૭ કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ, સિટિ હોસ્પિટલ અને એનએચએલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. આમ મહેસાણા જિલ્લામાં કોરોનાથી મૃત્યું પામેલા દર્દીઓની સંખ્યા ૧૩ થઇ છે. હાલ મહેસાણા જિલ્લામાં ૫૧ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં વડનગર કોવિડ હોસ્પિટલમાં ૭, મહેસાણા સાઇક્રિષ્ણા હોસ્પિટલમાં ૧૬, અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ૨, ખેરવા હોસ્પિટલમાં ૬, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૫, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૬, આસકા અમદાવાદ ખાતે ૧, કડીમાં ૪, સોલા હોસ્પિટલમાં ૧, એસજીવીપીમાં ૧, એનએચએલમાં ૧ અને સજિવની હોસ્પિટલમાં ૧ દર્દીનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી લેવામાં આવેલા ૧૨૦૭ વ્યક્તિના સેમ્પલમાંથી ૧૮૫૬ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે કુલ કોરોના પોઝિટીવ ૧૫૭ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૩ વ્યક્તિઓના મોત થયા છે. અને ૯૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉપરાત બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં વધુ એક પોઝિટીવ દર્દી ઉમેરાયો છે.


