ગાંધીનગર, તા. 21 જૂન 2020, રવિવાર
ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને તાલુકાના ૧૮ ગામો કોર્પોરેશનમાં ભેળવી દેવાયા છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તબક્કાવાર આ ગામોની મુલાકાત લઈને સ્થિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગામમાં હાલની સ્થિતિએ જરૃરી એવા કામોની વિગતો માંગવામાં આવી રહી છે તો ચોમાસાને ધ્યાને રાખી કરવાની થતી કામગીરીના સુચનો પણ આગેવાનો પાસેથી મેળવ્યા હતા. ધીરેધીરે કોર્પોરેશન આ પંચાયતોની મિલકતો પણ હસ્તગત કરી લેશે.
રાજય સરકાર દ્વારા ચાર દિવસ અગાઉ તમામ મહાનગરપાલિકાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં સૌથી મોટો વિસ્તાર ગાંધીનગર મહાનગરપાલિકાને વધારી આપ્યો હતો. પેથાપુર નગરપાલિકા, સાત ગામોના સર્વે નંબરો સાથે આખેઆખા ૧૮ ગામો મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે. જો કે ગાંધીનગર કોર્પોરેશન હજુ મહેકમની દ્રષ્ટીએ સક્ષમ નહીં હોવાથી હાલ તો આ પંચાયતનો સીધેસીધો કબજો લઈ લીધો નથી પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા આ ગામોની રૃબરૃ મુલાકાત કરીને આગામી દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આગેવાનો સાથે બેઠક કરી રહયું છે. આજે રાંધેજા, ઝુંડાલ, સુઘડ, વાવોલ સહિતના ગામોમાં નાયબ મ્યુનિ.કમિશનર તેમજ તેમની ટીમે મુલાકાત કરી હતી અને ગામના આગેવાનો પાસેથી હાલ ગામમાં થતી કામગીરી અને કોર્પોરેશન દ્વારા શું કામગીરી કરવામાં આવે તો ગામને મુશ્કેલી ના પડે તે અંગે સૂચનો મેળવ્યા હતા.
જો કે આગામી ચોમાસા દરમ્યાન આ ગામોમાં પાણી ભરાવાનો પ્રશ્ન નિકાલની વ્યવસ્થા ગોઠવી આપવા માંગણી કરાઈ હતી જે અંગે હવે કોર્પોરેશન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશન આગામી સમયમાં તબક્કાવાર આ ગ્રામપંચાયતોનો કબજો મેળવીને ત્યાં એક-એક કર્મચારીની નિમણૂંક કરશે તેવું લાગી રહયું છે.


