કોરોના ઇફેક્ટઃડેપોની મુસાફર પાસની આવકમાં રૂા. 4.77 કરોડનું ગાબડું!
- ગત વર્ષની સરખામણીએ છેલ્લા 4 મહિનામાં આવક ઘટી
ગાંધીનગર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
ગાંધીનગર - અમદાવાદ વચ્ચે ચાલી રહેલી શહેરી બસ સુવિધાનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઇ રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મુસાફર પાસ યોજનાનો પણ લોકો ઉત્સાહભેર લાભ લઇ રહ્યાં છે અને ડેપોની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીના પગલે બસોની અવર જવરને બંધ કરવામાં આવતાં મુસાફર પાસની આવકમાં પણ ગાબડું પડયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે છેલ્લા ચાર મહિનામાં રૂપિયા ૪.૭૭ કરોડની આવક ઘટી છે.
એસટી નિગમ દ્વારા રોજીંદી અવર જવર કરતાં મુસાફરો માટે જે યોજના બનાવવામાં આવી છે. તેનો મુસાફરો પણ ઉત્સાહભેર લાભ રહી રહ્યાં છે. ત્યારે ડેપોની આવકમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આમ મુસાફર પાસ યોજના થકી ગાંધીનગર ડેપોને દર મહિને દોઢ કરોડ જેટલી આવક થઇ રહી છે. તો બીજી તરફ આ વર્ષે કોરોનાની મહામારીના પગલે અપાયેલાં લોકડાઉનમાં બસોની અવરજવરને રોક લગાવી દેવામાં આવતાં આવકમાં પણ ગાબડું પડયું છે. ગાંધીનગર -અમદાવાદ વચ્ચે અવર જવર કરતી શહેરી બસ સુવિધાનો અસંખ્ય લોકો લાભ લઇ રહ્યાં છે પરંતુ પોઝિટિવ કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન થઇ રહેલાં વધારાના કારણે લોકડાઉનથી બસો બંધ કરવામાં આવી હતી. આમ ગત વર્ષે માર્ચ માસમાં ડેપોને ૧,૫૩,૧૯,૯૪૧ રૂપિયાની આવક થઇ હતી. જેની સામે આ વર્ષે ૧,૧૯,૬૪,૯૩૭ની આવક થઇ છે. જ્યારે એપ્રિલ માસમાં ૧,૪૨,૪૩,૦૨૫ની સામે આ વર્ષે ૮૮,૦૯૭ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે. જ્યારે મે માસમાં ૧,૬૦, ૭૯,૮૭૯ની સામે આ વર્ષે ૧,૦૦,૩૧૮ રૂપિયાની આવક મેળવી છે. તો જુન માસમાં ૧,૬૪, ૧૪,૧૮૧ની આવક ગત વર્ષે મેળવી હતી. જેની સામે આ વર્ષે ૨૧,૧૯,૬૭૩ રૂપિયા આવક મેળવનાર ગાંધીનગર ડેપોએ છેલ્લા ચાર માસ દરમિયાન રૂપિયા ૪.૭૭ કરોડની આવક કોરોનાના પગલે ગુમાવી છે.
ગત વર્ષે ગાંધીનગર ડેપોને મુસાફર પાસ થકી ૬,૨૦,૫૭,૦૨૬ રૂપિયા મેળવ્યા હતાં. ત્યારે આ વર્ષે ૧,૪૨,૭૩,૦૨૫ ની આવક છેલ્લા ચાર માસ દરમ્યાન પ્રાપ્ત કરી છે. મુસાફરોની અવર જવર પણ જુજ સંખ્યામાં થતી હોવાના કારણે આવકમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે.