કલ્પતરૂએ લીમડાંના વૃક્ષો કાપતા વિવાદ : વનવિભાગે ગુન્હો નોંધ્યો
- ત્રણ વૃક્ષો કાપીને તેના લાકડાં અન્ય જગ્યાએ ખસેડાતા ૧૫ હજારનો દંડ પણ વસુલ્યો
ગાંધીનગર, તા. 25 જુલાઇ 2020, શનિવાર
વિકાસની આંધળી દોડમાં આડેધડ ઘટાદાર વૃક્ષોનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે જેના કારણે એક સમયના હરિયાળી પાટનગરમાં વૃક્ષોની સંખ્યા ખુબ જ ઘટી ગઇ છે ત્યારે સામાજિક સંસ્થાઓની સાથે સાથે હવે તો વન તંત્ર પણ નગરને હરિયાળું બનાવવા માટે કટિબદ્ધ બન્યું હોય તેમ નગરમાં થતા વૃક્ષારોપણથી લાગી રહ્યું છે ત્યારે ઘટાદાર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ સે-૨૮માં આવેલી કલ્પતરૂ કંપનીએ કરી છે જેને લઇને વિવાદ ઉભો થયો છે અને અંતે વનવિભાગે ગુનો નોધીને કંપનીને રૂપિયા ૧૫ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
સમયચક્રની સાથે વિકાસની આંધળી દોડમાં લાખ્ખો વૃક્ષોનો ખાતમો બોલાવી દેવાને કારણે હવે નંબર વન ગ્રીનેસ્ટ સીટીની રેસમાં ગાંધીનગર પાછળ રહી ગયું છે ત્યારે નગરને ફરી હરિયાળું બનાવવાની સાથે સામાજિક સંસ્થાઓ અને વનવિભાગે છેલ્લા ત્રણ વર્ષથી સામૂહિક વૃક્ષારોપણની ઝુંબેશ છેડી છે જેને લઇને જ્યાં ખાલી જગ્યા છે ત્યાં અને વનઆરક્ષિત વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આવી સ્થિતિ વચ્ચે પણ હજુ ઘણા લોકો વૃક્ષો કાપવાની ગેરકાયદે પ્રવૃત્તિ આચરી રહ્યા છે તેમની સામે પણ હવે વનવિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર વનવિભાગ દ્વારા આ માટે રાત્રી પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે તે વચ્ચે ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી કલ્પતરૂ પાવર કંપની દ્વારા તેના સંકુલમાં આવેલા વર્ષો જુના ત્રણ લીંબડાના વૃક્ષો કપવાની પ્રવૃત્તિ આજે કરવામાં આવી હતી. આ બાબતની જાણ સ્થાનિક વનતંત્રને થઇ હતી પરંતુ વનકર્મી ત્યાં પહોંચે તે પહેલા વૃક્ષોના લાકડાં ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા. જેથી ગાંધીનગર વનવિભાગે નિયમોનુસાર કપાયેલા વૃક્ષોના લાકડાં સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર અન્ય જગ્યાએ ખસેડવાના ગુના હેઠળ આ કંપનીને દંડ ફટકાર્યો હતો. રૂપિયા પાંચ હજાર એક વૃક્ષ લેખે કુલ ૧૫ હજારનો દંડ કલ્પતરૂ પાસેથી વસુલવામાં આવ્યો હતો ત્યારે વનવિભાગને જાણ કર્યા વગર વૃક્ષો કાપતા તત્વો સામે કાર્યવાહી કરવાનું હવે તંત્રએ મન બનાવ્યું છે.