ફિરોજપુરમાં જમીનનો ખોટો દસ્તાવેજ બનાવવા બદલ 5 સામે ફરિયાદ
- અમદાવાદના શખ્સે પિતરાઈ ભાઈઓની મદદથી છેતરપીંડી આચરી હોવા અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ
ગાંધીનગર, તા. 18 જૂન 2020, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લામાં જમીન સંદર્ભે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર તાલુકાના જેઠીપુરા ફિરોજપુર ખાતે રહેતા ખેડૂતની સંયુકત માલિકીની કૌટુંબિક જમીનમાં પિતરાઈ ભાઈઓની મદદથી અમદાવાદના શખ્સે ખોટા વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યા હતા. જે મામલે ડભોડા પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ડભોડા પોલીસ મથકમાં ફિરોજપુર ખાતે રહેતાં પ્રહલાદજી કાકુજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે ફિરોજપુરમાં છ જેટલા સર્વે નંબરમાં તેમની કૌટુંબિક સંયુકત માલિકીની જમીન આવેલી છે. જે જમીન મામલે તેમના પિતરાઈ ભાઈઓ વચ્ચે મોખિક રીતે વહેંચણી કરવામાં આવી હતી પરંતુ કાગળ ઉપર આ જમીન વિભાજીત કરાઈ નહોતી. દરમ્યાનમાં અમદાવાદ સોલામાં રહેતા કલ્પેશ અમૃતભાઈ દેસાઈએ પ્રહલાદજીના પિતરાઈ ભાઈ પોપટજી બાપુજી ઠાકોર તથા મળતીયા દેવાજી રમણજી ઠાકોર, ગણપતજી ડાહયાજી ઠાકોર અને વિજયકુમાર પોપટજી ઠાકોરની મદદગારીથી આ જમીનમાં છેતરપીંડી કરી હતી. જેમાં પોપટજીએ તમામ જમીનમાં તેના ભાગ અંગે કલ્પેશ દેસાઈને પાવર ઓફ એટર્ની કરી આપી હતી. જેની મદદથી કલ્પેશે પોપટજીની જમીનના પાંચ અલગ અલગ ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. તેમની સાથે છેતરપીંડી આચરી હતી. જેથી આ ફરિયાદના પગલે ડભોડા પોલીસે પાંચેય વ્યક્તિઓ સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.