પલિયડમાં શોભાયાત્રા નીકળી 21 શખ્સો સામે ફરિયાદ
- ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી હોટસ્પોટ બનેલા કલોલ તાલુકાના
- ગોગા મહારાજના પાંચમા પાટોત્સવમાં હાથી, બેન્ડ વાજા અને ડીજે મંગાવીને પરવાનગી વગર ભીડ ભેગી થતાં પોલીસ અને તંત્ર દોડતું થયું
કલોલ, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર
કલોલના પલિયડ ગામમાં આજે નીકળેલી શોભાયાત્રા ચર્ચાનો વિષય બની ગઈ હતી. એક તરફ કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે પલિયડ ગામમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ખુબજ વસ્તી ભેગી થતાં સોશ્યલ ડીસ્ટેન્સના લીરેલીરા ઉડયા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને ર૧ શખ્સોની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયા છે અને કેસ ૮૦૦ પાર થઈ ગયા છે ત્યારે જિલ્લામાં કોરોનાના કેસથી હોટસ્પોટ બનેલા કલોલ શહેર તાલુકામાં પણ કોરોનાના કેસ જ નહીં પરંતુ મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહયો છે. અહીં તંત્ર સોશ્યલ ડીસ્ટેન્સીંગ, ફરજિયાત માસ્કના જાહેરનામાંનું કડકપણે પાલન કરાવતી હોવાનો દાવો કરે છે અને દુકાનો સીલ કરી રહી છે. ત્યારે તંત્રની કોઈ મંજુરી વગર કલોલના પલિયડ ગામમાં પટેલ પરિવારના ઘરે આજે ગોગાજી મહારાજનો પાંચમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતાં પણ શોભાયાત્રામાં ખુબજ ભીડ ભેગી કરવામાં આવી હતી. સોશ્યલ ડીસ્ટેન્સીંગના તો લીરેલીરા ઉડયા હતા. પરંતુ આ શોભાયાત્રામાં માસ્ક વગર પણ લોકો રખડતાં જોવા મળ્યા હતા. ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં હાથી, ડીજે અને બેન્ડવાજા સાથે શ્રધ્ધાળુઓ ફરી રહયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ દોડતી થઈ હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને શોભાયાત્રા બંધ કરાવી હતી. આ ઘટનામાં જિલ્લા કલેકટરે પણ તપાસના આદેશ આપ્યા છે ત્યારે કલોલ તાલુકા પોલીસે આ કેસમાં ર૧ લોકો સામે એપેડેમિક એકટ અને જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈપણ જાતની પરવાનગી વગર આ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે તંત્ર પણ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોય તેમ શોભાયાત્રા નીકળ્યા બાદ ટોક ઓફ ધી ટાઉન થતાં દોડતું થયું હતું.