કોરોના કેસ વધતાં મહેસાણામાં બિનજરૂરી બજારમાં ન જવાની મુહીમઃસોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલ
- શહેરના બજારમાં ભારે ભીડ જામતા કોરોનાનું સંક્રમણ વધી શકે છે
મહેસાણા,તા.04 જુલાઈ 2020, શનિવાર
મહેસાણા શહેર સહિત જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાએ માથુ ઉચક્યું છે અને જિલ્લામાં ૩૦૦થી વધુ કેસો નોંધાયા છે. શહેરની બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાથી જાગૃત નાગરિકો દ્વારા સોશ્યલ મિડીયામાં શહેરના સ્ટેશન રોડ, તોરણવાળી માતા ચોક, આઝાદ ચોક સહિત બજાર વિસ્તારમાં બિનજરૃરી જવું નહીનો મેસેજ વાયરલ કર્યો છે.
મહેસાણા શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ બજારો પણ રાબેતા મુજબ શરૃ થઈ ચુક્યા છે. ત્યારે બજારોમાં સવારે તેમજ સાંજના સમયે લોકોની ભારે ભીડ જામી રહી છે. જોકે સરકારની ગાઈડલાઈનનું પાલન થતું નથી. સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન શહેરમાં વધી રહ્યું છે. મહેસાણામાં સોશ્યલ મિડીયામાં સવારથી મેસેજ વાયરલ થયો છે. જેમાં શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વિસ્ફોટ બનવા તરફ જઈ રહી છે. ખાસ કરીને બજાર વિસ્તારોમાં તેથી સોસાયટી તેમજ રહેણાંક વિસ્તારોના લોકોે ફુવારાથી રેલવે સ્ટેશન સુધી તોરણવાળી માતા ચોકમાં, તોરણવાળી માતા ચોકથી આઝાદ ચોક સુધી એ સિદ્ધપુરી બજાર તેમજ રંજનના ઢાળમાં બને ત્યાં સુધી આ વિસ્તારમાં જવાનું ટાળવું અને કદાચ કોઈ કામથી જવાનું થાય તો પણ ભીડથી દૂર રહીને ઝડપથી કામ પતાવીને વિસ્તાર છોડી દેવા મેસેજમાં સલાહ આપવામાં આવી છે. મહેસાણામાં દિવસેને દિવસે સ્થાનિક સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૃપે બજારમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું જોઈએ તેવી પણ સૂચનાઓ જાગૃત નાગરિકો દ્વારા સોશ્યલ મિડીયા માધ્યમથી આપવામાં આવી રહી છે.