રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા બુટલેગરની ધરપકડ
- મહેસાણા એલસીબીએ નાનીદાઉ પાટીયા પાસે વોચ ગોઠવી
- મહેસાણા જિલ્લામાં આરોપી વિરૃધ્ધ પ્રોહીબીશનના 26 ગુના નોંધાયા છેઃ સિધ્ધપુર અને છાપીમાં પણ કેસ
મહેસાણા,તા.27
રાજસ્થાનથી છેલ્લા કેટલાક સમયથી નાની મોટી ગાડીઓમાં વિદેશી
દારૃનો જથ્થો ભરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સપ્લાય કરનાર વોન્ટેડ સુત્રધારને
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી વિરૃધ્ધ
મહેસાણા, પાટણ અને
બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ૨૮ જેટલા પ્રોહીબીશનના ગુના
નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. મહેસાણા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.
મુળ બનાસકાંઠાના અમીરગઢનો અને હાલમાં રાજસ્થાનના આબુરોડ ખાતે રહેતો બુટલેગર આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ ઘણા સમયથી રાજસ્થાનથી નાની મોટી ગાડીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૃનો જથ્થો ભરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો.મહેસાણા પોલીસે સમયાંતરે તેણે દારૃ ભરીને મોકલેલ વાહનો પકડી વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હોવાથી તેની સામે જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ૨૬ પ્રોહીબીશનના ગુના નોંધ્યા છે.ઉપરાંત છાપી અને સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે.
અનેક ગુનાઓમાં ફરાર આરોપીને પકડવા એલસીબીની ટીમ આબુરોડ
પહોંચી હતી અને અહીં તેની વોચ ગોઠવી હતી.દરમિયાન મળેલી બાતમી આધારે મહેસાણા લોકલ
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઊંઝાથી મહેસાણા હાઈવે પરના નાનીદાઉ ગામના પાટીયા નજીક વોચ
ગોઠવી હતી.તે વખતે આબુરોડથી પોતાની કારમાં અમદાવાદ જઈ રહેલા વોન્ટેડ આરોપી આશીષ
ઉર્ફે આસુ અગ્રવાલને દબોચી લીધો હતો.પોલીસે તેની પાસેથી કાર, બે મોબાઈલ સહિત
રૃ.પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ શરૃ કરી હતી.
દારૃના સપ્લાયર સામે આ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા
મહેસાણા પોલીસે ઝડપી પાડેલા રાજસ્થાનના કુખ્યાત વિદેશી
દારૃના સપ્લાયર આશીષ ઉર્ફે આશુ અગ્રવાલ સામે મહેસાણા બી ડિવીજન પોલીસ સ્ટેશન, ખેરાલુ, ઉનાવા, ઊંઝા, લાંઘણજ, સતલાસણા, વિસનગર, મોઢેરા, નંદાસણ, મહેસાણા તાલુકા, વસઈ, બેચરાજી અને
કડીમાં ૨૬ પ્રોહીબીશનના કેસ દાખલ થયેલા છે.જયારે પાટણના સિધ્ધપુર અને બનાસકાંઠાના
છાપી પોલીસ મથકે પણ કેસ છે.